વડોદરા મહાનગરપાલિકામાં ફાયરનો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC)ના મુદ્દે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ યોજાયેલી બેઠકમાં કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી હતી. બેઠકમાં જાણવા મળ્યું હતું કે વડોદરા શહેરની 237 હોસ્પિટલો અને અન્ય કેટલીક ઇમારતો પાસે હજુ પણ ફાયર એનઓસી નથી અને છે તો તેનું રિન્યુઅલ બાકી છે.


15 દિવસમાં તમામ બાકી દસ્તાવેજોની કરાશે ઝીણવટભરી સમીક્ષા

મળતી માહિતી મુજબ, આ બેઠકમાં કેટલાક હોસ્પિટલ અને ઇમારતોના સંચાલકોને પણ બોલાવીને આ મામલે ચર્ચા કરવામાં આવી હતી. તદઉપરાંત મનપા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો કે, આગામી 15 દિવસમાં તમામ બાકી દસ્તાવેજોની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત સરકારે અગાઉ જેમને મંજૂરી આપી છે તેનું પણ ફરીથી રિવ્યુ કરવામાં આવશે. આ નિર્ણયથી એનઓસી વગરની હોસ્પિટલ અને ઈમારતોમાં ફફડાટ ફેલાયો છે.

મનપા દ્વારા લેવામાં આવ્યા કડક પગલાં

નગરપાલિકાના નિર્ણય બાદ આ કાર્યવાહી માટે ફાયર બ્રિગેડની ટીમોને કામે લગાડવામાં આવશે. સમગ્ર વડોદરા શહેરમાં આગની ઘટનાઓ અને સલામતીના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા આવા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આશા છે કે આ ઝુંબેશથી શહેરીજનોની સલામતી સુનિશ્ચિત થઈ શકશે.


  • Follow us on: