વડોદરા શહેરમાં શાળાએ જતા માસૂમ બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રાદેશિક પરિવહન વિભાગ (RTO) દ્વારા એક મોટું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. નિયમોનું ઉલ્લંઘન કરીને દોડતા સ્કૂલ વાહનો સામે આરટીઓ તંત્રએ કડક ઝુંબેશ ચલાવી છે. આ વિશેષ ડ્રાઇવ અંતર્ગત માત્ર પાંચ દિવસના ટૂંકા ગાળામાં નિયમભંગ કરનારા 271 જેટલા વાહનોને ઝડપી પાડવામાં આવ્યા છે. આ તમામ વાહનોને મળીને કુલ રૂ.19.51 લાખનો તોતિંગ દંડ ફટકારવામાં આવતા સ્કૂલ વર્ધીના ચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


પરમિટ વગર દોડતા 250 વાહનો ઝડપાયા

આરટીઓ વિભાગના સત્તાવાર ચેકિંગ દરમિયાન એવા ચોંકાવનારા ખુલાસા થયા છે કે સ્કૂલ વર્ધીમાં દોડતા વાહનો પાસે યોગ્ય કાગળો જ નહોતા. ઝડપાયેલા વાહનોમાંથી 250 જેટલા વાહનો માત્ર પરમિટ ભંગ અને ટેક્સી પાસિંગ વગર ગેરકાયદેસર રીતે રસ્તા પર દોડતા માલૂમ પડ્યા હતા. આ ઉપરાંત, અનેક વાહનોમાં વીમો (Insurance) ન હોવો, પીયુસી (PUC) કઢાવેલું ન હોવું તેમજ ક્ષમતા કરતાં વધુ બાળકોને ઘેટાં-બકરાની જેમ ભરવા જેવા ગંભીર નિયમ ભંગ સામે આરટીઓ અધિકારીઓએ કાયદાનો સપાટો બોલાવ્યો છે.

કાર્યવાહી જોઈ ચાલકોએ યુ-ટર્ન માર્યો

આરટીઓનું સઘન ચેકિંગ જોઈને વાહનચાલકોમાં એવી નાસભાગ મચી હતી કે માનવતા પણ મરી પરવારી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પોતાની ગાડી ડિટેઈન થવાના ડરથી અનેક ચાલકોએ રસ્તા વચ્ચેથી જ વાહનોના યુ-ટર્ન મારી દીધા હતા. હદ તો ત્યારે થઈ જ્યારે એક સ્કૂલ વાનનો ચાલક માસૂમ વિદ્યાર્થીઓને અધવચ્ચે રોડ પર જ ઉતારીને ગાડી ભગાડી ગયો હતો, જેના કારણે બાળકોને ધોમધખતા તાપમાં રસ્તા પર ચાલવા મજબૂર થવું પડ્યું હતું. આરટીઓ દ્વારા આવા બેજવાબદાર ચાલકો સામે વધુ કડક પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: