વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાંથી એક ચિંતાજનક અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરા જિલ્લાના સાવલીના લાછનપુર ગામ પાસેથી પસાર થતી પવિત્ર મહીસાગર નદીમાં ન્હાવા પડેલો એક આશાસ્પદ યુવક નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તણાયો છે. રવિવારની રજા હોવાથી યુવક પોતાના મિત્રો સાથે નદી કિનારે ફરવા અને ન્હાવા માટે આવ્યો હતો, તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી.
ન્હાવા પડતા જ ઊંડા પાણીમાં ગરકાવ થયો
ઘટનાની મળતી માહિતી અનુસાર, મહીસાગર નદીમાં તણાયેલા યુવકની ઓળખ મુકેશ જબરા રામ સરગરો તરીકે થઈ છે, જે મૂળ રાજસ્થાનના ઝાલોર જિલ્લાના નાગની ગામનો વતની છે. મુકેશ પોતાના મિત્રો સાથે લાછનપુર ખાતે મહીસાગર નદીમાં ન્હાવા માટે પડ્યો હતો. જોકે, નદીના પ્રવાહ અને પાણીના ઊંડાણનો અંદાજ ન આવવાના કારણે તે અચાનક જ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને જોતજોતામાં પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયો હતો. મિત્રને આંખની સામે જ ડૂબતો જોઈ સાથે આવેલા અન્ય મિત્રોએ બૂમાબૂમ કરી મૂકી હતી.
પોલીસ કાફલો ઘટના સ્થળે
આ ઘટનાની જાણ સ્થાનિક ગ્રામજનોને થતાં જ લોકોના ટોળેટોળા નદી કિનારે ઉમટી પડ્યા હતા. તાત્કાલિક ધોરણે આ અંગે સાવલી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોઈને સાવલી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન
વડોદરા ફાયર બ્રિગેડની ટીમ પણ રેસ્ક્યૂ બોટ અને ડાઇવર્સ (તરવૈયાઓ) સાથે સ્થળ પર પહોંચી ગઈ હતી. નદીના ધસમસતા પ્રવાહમાં યુવકની શોધખોળ માટે મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. કલાકોની જહેમત બાદ યુવકનો મૃતદેહ મળ્યો હતો. આ અકસ્માતને પગલે યુવકના પરિવારજનો અને સ્થાનિક ગ્રામજનોમાં ભારે ચિંતા અને અરેરાટી વ્યાપી ગઈ છે. ચોમાસા પૂર્વે નદીઓમાં પાણીની આવક અને ઊંડાણ વધતા વહીવટી તંત્રે પણ લોકોને નદીના ખુલ્લા પટમાં ન ન્હાવાની અપીલ કરી છે.
આ પણ વાંચો - Vadodaraના સાવલીમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા: લામડાપુરામાં સરપંચના પુત્રએ ગુંડા બોલાવી તલવારો સાથે મચાવ્યો આતંક