ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓને સત્તા સોંપવા માટે અનામત પ્રથા લાગુ કરવામાં આવી છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ હોવાના કિસ્સા અવારનવાર સામે આવતા રહે છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના હાંડોદ ગામેથી આવો જ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં મહિલા સરપંચના પતિદેવ સરકારી નિયમોને નેવે મૂકીને આખા ગામ પર પોતાનો રોફ જમાવી રહ્યા છે. હાંડોદ ગામના મહિલા સરપંચ શીતલબેન ગોસ્વામીના પતિ અમિત ગોસ્વામીની દાદાગીરી અને તોછડાઈભર્યા વર્તનનો એક લાઈવ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર પંથકના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.


પાણીની સમસ્યાની રજૂઆત કરવા ગયેલા ગ્રામજનોને ધમકાવ્યા

મળતી માહિતી મુજબ, હાંડોદ ગામમાં છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. આ મામલે ગામના ત્રસ્ત સ્થાનિક રહીશો જ્યારે સરપંચને રજૂઆત કરવા માટે ગયા હતા, ત્યારે ત્યાં હાજર મહિલા સરપંચના પતિ અમિત ગોસ્વામી ગ્રામજનો પર ભડક્યા હતા. તેમણે કાયદાનું ભાન ભૂલીને ગ્રામજનો સામે ખુલ્લેઆમ દાદાગીરી કરતા કહ્યું હતું કે, "ગામનો વહીવટ તો હું જ કરીશ!" 

TDO મેડમને કહી દેજો જાવ

આટલું જ નહીં, જ્યારે ગ્રામજનોએ આ મામલે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરવાની વાત કરી, ત્યારે સત્તાના નશામાં ચૂર સરપંચ પતિએ તોછડો જવાબ આપતા પડકાર ફેંક્યો કે, "TDO મેડમને કહી દેજો જાવ, કંઈ નહીં થાય!"

વીડિયો વાયરલ થતાં ઉચ્ચ સ્તરે ફરિયાદની તૈયારી

ગામલોકો સાથે કરવામાં આવેલા આ સમગ્ર ગેરવર્તનનો વીડિયો ત્યાં હાજર કોઈ વ્યક્તિએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયરલ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સ સરપંચ પતિની માનસિકતા પર ફિટકાર વરસા રહ્યા રહ્યા છે. સ્થાનિક ગ્રામજનોમાં પણ વહીવટી તંત્ર સામે ભારે રોષ છે. રજૂઆતકર્તાઓએ હવે આ વાયરલ વીડિયોના મજબૂત પુરાવા સાથે વડોદરા જિલ્લા વિકાસ અધિકારી ને લેખિત ફરિયાદ કરીને સત્તાનો દુરુપયોગ કરનાર સરપંચ પતિ અને ફરજમાં બેદરકારી બદલ મહિલા સરપંચ સામે કડક કાયદાકીય પગલાં ભરવાની માંગ કરી છે.


આ પણ વાંચો---    Sandesh Digital Explainer: છેલ્લા 100 વર્ષમાં સૌથી સૂકો જૂન મહિનો કેમ રહ્યો ? હવે જુલાઈમાં શું થશે? તમારા પ્રશ્નના તમામ જવાબ વાંચો

  • Follow us on: