ડભોઇ તાલુકાના વડજ ગામમાં શ્રીમતી શાંતાબેન શાંતિલાલ પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ કે જે અર્ધસરકારી છે જેના તમામ ઓરડા જર્જરી છે. શિક્ષક સ્ટાફ રૂમ, વર્ગખંડ હોય કે આચાર્યની રૂમ હોય તમામે તમામ ઓરડાઓમાં સ્લેબ માંથી પડી ગયેલા પોપડાઓ પર થીગડાં મારવામાં આવ્યા છે. મંડળના સંચાલકો દ્વારા બે વર્ષ અગાઉ આ સ્કૂલનું રીનોવેશન કરવામાં આવ્યું હતું. પરંતુ મહત્વનો સવાલ એ છે કે આ વડજ હાઈસ્કૂલના ધોરણ 9 અને 10 ના બે વર્ગખંડમાં 100 થી પણ વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તે સ્કૂલ જર્જરિત હાલતમાં જોવા મળી છે. ભયના ઓથાર હેઠળ બાળકો અભ્યાસ કરી રહ્યા છે.
જર્જરીત થીગડાં મારેલી સ્કૂલમાં વિદ્યાર્થી અભ્યાસ કરવા મજબૂર
આ સ્કૂલને સરકાર તરફથી કોઈ ગ્રાન્ટ આપવામાં આવતી નથી પરંતુ વડજના જે મંડળના સંચાલકો છે તેમના દ્વારા આ રિનોવેશન રીપેરીંગનો ખર્ચો કરવામાં આવ્યો હતો. તેમ છતાં આજે સ્કૂલનું ફ્લોરિંગ તમામ જગ્યાએ બેસી ગયું છે. હાલ પણ સ્કૂલમાં અનેક જગ્યાઓ પર મોટી તિરાડો જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોતાનો જીવ જોખમમાં મૂકી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. શાળાની સ્થાપના વર્ષ 1970 માં થઈ હતી તદુપરાંત શાળાનું બિલ્ડીંગ છે, તે વર્ષ 1990 થી 1994 માં બન્યું હતું, જેનો બે વર્ષ અગાઉ જ રીનોવેશનના નામે માત્ર થીગડાં મારી સંતોષ માનવામાં આવી રહ્યો છે. ક્યારેક કોઈ મોટી હોનારત સર્જાય તો તેનો જવાબદાર કોણ? કેમ કે આ માધ્યમિક સ્કૂલના બિલ્ડીંગને 35 વર્ષથી ઉપર જેટલો સમય ગાળો પણ વીતી ચૂક્યો છે. પરંતુ આજે પણ વિદ્યાર્થીઓ જર્જરીત થીગડાં મારેલી સ્કૂલમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.
શિક્ષકે જણાવ્યું હતું કે સરકાર તરફથી કોઈ ગ્રાન્ટ મળે કે કોઈ સહયોગ મળે તો શાળાનું વિકાસ થાય તેમ છે. સરકાર તરફથી નવું બિલ્ડીંગ બનાવી આપવામાં આવે તેવી શિક્ષકો અને બાળકો અપેક્ષા રાખી રહ્યા છે.
બાળકો ખુલ્લા મને અભ્યાસ કેવી રીતે કરશે
આવી જર્જરીત સ્કૂલો વિશે આપણને અવારનવાર જાણવા મળે છે આ અગાઉ પણ જૂનાગઢના વિસાવદર તાલુકાના લીમધ્રા ગામમાં આવેલી ગ્રાન્ટેડ હાઈસ્કૂલ અતિશય જર્જરીત બની હોવાના સામાચાર મળ્યા હતો. ગુજરાત સરકાર શિક્ષણનું સ્તર સુધારવા માટે કરોડો રૂપિયાના ખર્ચો કરી રહી છે ત્યારે બીજી તરફ મૂળ પાયાની જરૂરિયાત એવી ઇમારતોમાં જ લૂણો લાગી ગયો હોય તેવું દેખાઈ રહ્યું છે, કારણ કે જો બિલ્ડીંગ જ જર્જરીતે હશે તો બાળકો ખુલ્લા મને અભ્યાસ કેવી રીતે કરશે.