પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થતાની સાથે જ વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. શ્રદ્ધાળુઓ દ્વારા ફરાળમાં ઉપયોગમાં લેવાતી ખાદ્યસામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતા જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે સઘન ચેકિંગ ઝુબેશ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગની ટીમો દ્વારા આજે સયાજીગંજ કડક બજાર સહિત શહેરના અન્ય વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.


ફૂડ સેફટી ઓફિસરનું નિવેદન

આ તપાસ ખાસ કરીને ફરાળી વાનગીઓનો લોટ વેચતા હોલસેલરોને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ફૂડ સેફટી ઓફિસર પી.એસ. ભાવસારે આ અંગે જાણકારી આપતા જણાવ્યું હતું કે, આજથી શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ અમે ચેકિંગ હાથ ધાર્યું છે. હાલ શહેરના જુદા જુદા બજારોમાં આરોગ્ય વિભાગની 6 ટીમો દ્વારા આજે રાજગરા લોટ, શિંગોડા લીટ સહિતના ફરાળી ખાદ્યપદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવશે. નમૂના લેવા ઉપરાંત સ્વચ્છતા જાળવવા અને આરોગ્યપ્રદ વાતાવરણ ઉભું કરવા માટે પણ વેપારીઓને આદેશો આપવામાં આવ્યા હતા.

શહેરીની અલગ અલગ કેન્ટીનોમાં પણ ચેકિંગ

ઉલ્લેખનીય છે કે, શ્રાવણ માસ પૂર્વે પણ આરોગ્ય વિભાગ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી હતી. ગત 15 દિવસમાં શહેરની શૈક્ષણિક સંસ્થાઓની કેન્ટીનમાં પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન, નિયમોનું પાલન ન કરતી 30 થી 40 કેન્ટીનોને શિડ્યુલ 4 નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત, 8 જગ્યાએ મેસ બંધ કરાવી દેવામાં આવી હતી. જે બાદ નિયમ મુજબ કામગીરી શરૂ કરતા ફરીથી ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગની આ સક્રિયતા શ્રાવણ માસ દરમિયાન નાગરિકોને શુદ્ધ અને સ્વચ્છ ખાદ્યપદાર્થો મળી રહે તે માટે આવશ્યક છે. આરોગ્ય વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ આ ચેકિંગ હાથ ધરવામાં આવશે.


  • Follow us on: