વડોદરાના ગોરવા વિસ્તારમાં પોતાની ધાક જમાવવા નીકળેલા ચાર ઇસમોને પોલીસે પાઠ ભણાવ્યો છે. છાણી જકાતનાકા સ્થિત મધુ રેસીડેન્સીમાં રહેતા મૂળ જામનગરના શક્તિસિંહ ધનરાજસિંહ રાણા અને તેના ત્રણ મિત્રો જતીન જેઠાભાઈ ઘાગીયા, મનીષ શંકરલાલ યાદવ અને હેમેશ રમેશભાઈ હોદારની પોલીસે ધરપકડ કરી છે. આ ચારેયે નેશનલ હાઈવે પર આવેલા એક રેસ્ટોરન્ટ માલિક પર જીવલેણ હુમલો કર્યો હતો.


મહેફિલ માણ્યા બાદ કરી ધમાલ

મળતી જાણકારી અનુસાર, શક્તિસિંહ અને તેના મિત્રો રાત્રે છાણી જકાતનાકા સ્થિત મધુ રેસીડેન્સીમાં મહેફિલ માણ્યા બાદ નેશનલ હાઇવે પરના બાપુ ચિકન ખાતે જમવા પહોંચ્યા હતા. રેસ્ટોરન્ટ બંધ થઇ ગઈ હોવાથી તેમને જમવાનું મળી શક્યું નહતું. આથી શક્તિસિંહે દાદાગીરી કરતા કર્મચારી પાસે રેસ્ટોરન્ટના માલિક ગૌરાંગ સુરેશભાઈ પઢીયારને ફોન કરાવી ધમકી આપી હતી. તેણે કહ્યું હતું કે, શક્તિ બોલું છું અમે જમવા આવ્યા છીએ તમારો માનસ કહે છે કે જમવાનું પતિ ગયું છે, જો અમને જમવાનું નહીં મળે તો ટુ જ્યાં હોઈશ ત્યાં આવીને મારીશ. તારા ઘરનું લોકેશન મોકલ.

રેસ્ટોરન્ટ માલિકને માર માર્યો

ત્યારબાદ, ગૌરાંગે પોતાના ઘરનું લોકેશન મોબાઈલ ફોનથી મોકલ્યું હતું. થોડીજ વારમાં આ ઇસમો તેના ઘરે પહોંચ્યા હતા અને તેને મારવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે બીજા એક સાગરીતે તીક્ષ્ણ હથિયાર કાઢીને ગૌરાંગના શરીર પર ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા જેનાથી તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાગ્રસ્ત ગૌરાંગને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

પોલીસે ચારેય ઇસમોને ઝડપી પડ્યા

ઘટનાની જાણ ગોરવા પોલીસને થતાં પોલીસ ઇન્સ્પેકટર કિરીટ લાઠીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે તાત્કાલિક હુમલાખોરોની શોધખોળ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ ચારેય આરોપીઓને ઝડપી પડ્યા હતા. પોલીસે કડક કાર્યવાહી કરતા ડોન બનવા નીકળેલા આ ચારેય ઇસમો "કાન પકડતા" થઇ ગયા.


  • Follow us on: