વડોદરાના અણખોલ ગ્રામ પંચાયતમાં કૌંભાડ આચરવામાં આવ્યું છે અને તે મામલે પૂર્વ સરપંચ અને પૂર્વ તલાટી સામે ફરિયાદ પણ કરવામાં આવી છે. આજે સંદેશ ન્યૂઝની ટીમ અણખોલ ગામમાં પહોંચી હતી પણ કૌંભાડી પૂર્વ સરપંચ તરલિકા પટેલ ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.


ગ્રામજનોમાં ભ્રષ્ટાચાર અંગે ભારે આક્રોશ

ઉલ્લેખનિય છે કે અણખોલ ગ્રામ પંચાયતમાં પૂર્વ સરપંચ તરલિકા પટેલ અને પૂર્વ તલાટી દિગ્વિજય ઝાલા સામે 1.62 કરોડની ઉચાપતની ફરિયાદ નોંધાઇ છે. આ ભ્રષ્ટાચારના કારણે ગ્રામજનોમાં ભ્રષ્ટાચાર અંગે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે

ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ

ગામની હાલત એક તરફ ખરાબ છે ત્યારે પૂર્વ સરપંચ અને પૂર્વ તલાટીએ ભ્રષ્ટાચાર કરતા લોકોને સુવિધા મળી શકી નથી. ગામની સ્કૂલ અને આંગણવાડી જર્જરીત હાલતમાં છે અને ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ પણ જોવા મળી રહ્યો છે. આંગણવાડી જર્જરીત હોવાથી જર્જરીત સ્કૂલ નીચે ખુલ્લા માં બેસી ભણાવવા પડે છે.

શિક્ષીત સરપંચ લાવ્યા તો તેમણે પણ માત્ર પોતાનો જ વિકાસ કરી લીધો

અણખોલ ગામના લોકોની હાલત એવી ખરાબ છે કે ગામના લોકોને પીવાનું શુદ્ધ પાણી પણ મળતું નથી અને ગામના લોકો તળાવના પાણી પર નિર્ભર છે. લોકો કહે છે કે અમે શિક્ષીત સરપંચ લાવ્યા તો તેમણે પણ માત્ર પોતાનો જ વિકાસ કરી લીધો અને ગામના લોકોની હાલત ખરાબ કરી નાખી છે.

લોકોને હવે હાલના સરપંચ પાસે વધારે આશા

લોકોને હવે હાલના સરપંચ પાસે વધારે આશા છે કે પૂર્વ સરપંચ કરતાં તેઓ ભલે ઓછુ ભણેલા છે પણ હાલના સરપંચ ગામનો વિકાસ કરશે અને લોકોને પ્રાથમિક સુવિધા અપાવશે. વર્તમાન તલાટી જગદીશ સાધુએ જો કે કહ્યું હતું કે આ કૌંભાડ મારી અગાઉ થયું હતું અને હાલ ગ્રામપંચાયત પાસે 4 કરોડનું ભંડોળ છે. મારા પર પણ જે આરોપ લાગે છે તે ખોટા છે. 1 રૂપિયાનું પણ કૌભાંડ કોઈ લાવી આપે તો હું નૈતિકતા ના ધોરણે રાજીનામુ આપીશ તેમ તેમણે કહ્યું હતું.


  • Follow us on: