વલસાડના અતુલ નજીક નેશનલ હાઇવે 48 પર એક મોટી દુર્ઘટના ટળી છે. વાપીથી વલસાડ તરફ જઈ રહેલી એક કારમાં અચાનક આગ લાગી હતી. સદનસીબે કારમાં સવાર લોકોએ સમયસૂચકતા દાખવીને તાત્કાલિક બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો છે. આ ઘટના અતુલ ગામ નજીક હાઇવે પર બની હતી.
વાપીથી વલસાડ તરફ જતી કાર આગની જ્વાળાઓમાં લપેટાઈ
કારમાં અચાનક આગની જ્વાળાઓ દેખાતા જ કારચાલકે તરત જ વાહન રોક્યું હતું અને અંદર બેઠેલા મુસાફરોને નીચે ઉતારી દીધા હતા. જો થોડી પણ વાર થઈ હોત તો મોટી જાનહાનિ થઈ શકત. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ તાત્કાલિક વલસાડ રૂરલ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. વલસાડ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો.













