વલસાડ જિલ્લાના વાપીમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે, ત્યારે પોલીસે પણ આવા લુખ્ખા ટપોરીઓ સામે લાલ આંખ કરી છે. ગત રોજ વાપીમાં એક જીમની અંદર કસરત કરવા બાબતે એક યુવકને 15થી 20 જેટલા લોકોએ જાહેરમાં માર મારી તેને ઘાયલ કર્યો હતો, આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ લઈ 6 જેટલા આરોપીની ધરપકડ કરી છે.
આરોપી પાસે માફી મગાવી તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી
વાપીમાં જીમની અંદર જીમના સભ્ય દ્વારા કસરત કરવા બાબતે સામાન્ય બોલાચાલી થયા બાદ જીમની બહારના પાર્કિંગમાં જાહેરમાં મારામારી થઈ હતી, જેમાં ફરિયાદીને 15થી 20 જેટલા ટોળા દ્વારા મારવામાં આવતા ફરિયાદીએ 6 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને લઈને વાપી જીઆઈડીસી પોલીસે ગણતરીના જ કલાકોમાં 6 જેટલા યુવકોની ધરપકડ કરી છે અને તેઓની પાસે માફી મગાવી તેઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે આ કેસમાં રાયોટીંગનો ગુનો નોંધી વધુ તપાસ કરી છે.
અમદાવાદમાં મહિલાઓ સાથે મારામારીમાં કાર્યવાહી
રાજ્યમાં મારામારીના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં મહિલાઓ સાથે મારામારી કરવાના કેસમાં કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે મહિલા સહિત 4 આરોપીની ધરપકડ કરી હતી. શ્રીધર સ્પર્શ સોસાયટીમાં મહિલા પર હુમલો કર્યો હતો. ભજન કરી રહેલા મહિલાઓ પર હુમલો કર્યો હતો. ઓઢવ પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. કિંજલ પટેલ, અલ્પેશ પટેલ, દેવ પટેલ , અંકિત પટેલની ધરપકડ કરાઈ છે.