દિલ્હીના લાલ કિલ્લા નજીક ચાલતી કારમાં થયેલા વિસ્ફોટની ઘટના બાદ ગુજરાત રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને તાત્કાલિક અસરથી વધુ મજબૂત કરવામાં આવી છે. રાજ્યભરની પોલીસ એક્શન મોડ પર આવી ગઈ છે અને સંવેદનશીલ તથા જાહેર સ્થળો પર સઘન તપાસ (સર્વેલન્સ) હાથ ધરવામાં આવી છે. અમદાવાદ સહિતના શહેરોમાં પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
દરિયા કિનારા પર મરીન પોલીસ દ્વારા ચેકિંગ
રાજ્યને જોડતી અન્ય રાજ્યની બોર્ડરો તથા મોટા શહેરોમાં પ્રવેશવાના રસ્તાઓ પર પણ પોલીસ દ્વારા શંકાસ્પદ વાહનો અને અવર જવર કરતા મુસાફરોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મોટા મંદિરો, એરપોર્ટ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન સહિતના ભીડ ભાડ વાળા વિસ્તારોમાં પણ પોલીસે ચેકિંગ શરૂ કર્યું છે. ત્યારે દરિયા કિનારા પર પણ મરીન પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે.













