વલસાડ જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામેની ઝુંબેશમાં વધુ એક મોટી સફળતા મળી છે. SOGએ વલસાડ તાલુકાના કુંડી ગામે આવેલી એક ફેક્ટરીમાં દરોડો પાડીને માદક પદાર્થો બનાવવામાં ઉપયોગી થઈ શકે તેવું શંકાસ્પદ રો-મટીરીયલ ઝડપી પાડ્યું છે. ઝડપાયેલું કેમિકલ ડેનેટોનિયમ બેન્ઝોએટ નામનું છે. આ પદાર્થ બિટરન્ટ તરીકે પણ ઓળખાય છે. જેને દુનિયાનું સૌથી કડવું પદાર્થ માનવામાં આવે છે.


પોલીસે કંપની સંચાલક સહિત ચારની અટકાયત કરી

તેનો ઉપયોગ મુખ્યત્વે પેસ્ટીસાઈડ જેવા ઝેરી કેમિકલ બનાવવામાં થતો હતો. SOG એ ફેક્ટરીમાં મોટી માત્રામાં આ કેમિકલનું રો-મટીરીયલ ઝડપી પાડ્યું હતું. પોલીસે આ ગેરકાયદેસર ફેક્ટરીના કંપની સંચાલક સહિત ચાર કામદારોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ફેક્ટરી માલિકે ફેક્ટરી ચલાવવા માટે કોઈપણ પ્રકારની કાયદેસરની પરવાનગી લીધી ન હતી.

પોલીસે કેમિકલ ક્યાંથી આવ્યું તે બાબતે તપાસ કરી

SOGની ટીમે કાર્યવાહી કર્યા બાદ ફેક્ટરીમાંથી ઝડપાયેલા રો-મટીરીયલના સેમ્પલ FSL અને DFSને સોંપવામાં આવ્યા છે. હાલ પોલીસ આ કેમિકલના રિપોર્ટની રાહ જોઈ રહી છે. પોલીસે હવે આ કેમિકલ ક્યાંથી સપ્લાય થતું હતું અને ક્યાં આવતું-જતું હતું બાબતે પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. તમામ પ્રકારના રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા કાયદેસરની વધુ કાર્યવાહી કરવામાં આવશે.


  • Follow us on: