Valsad News: હાલ શોર્ટકટમાં પૈસા કમાવવાના ચક્કરમાં ઘણા લોકો પૈસા ગુમાવતા હોવાના ઘણા અહેવાલો સામે આવતા રહે છે. ઘણા લોકો ઝડપથી કરોડપતિ બનવા માટે કાળા જાદૂ અને તાંત્રિક વિધિનો સહારો લે છે. આવો જ એક કિસ્સો વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરીયા ગામમાંથી પ્રકાશમાં આવ્યો છે. જ્યાં એક યુવકે રાતોરાત કરોડપતિ બનવાના ચક્કરમાં 2.15 લાખ ગુમાવ્યા હતા.
તાંત્રિકે 2.15 લાખ પડાવ્યા
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના એક ગામના યુવક સાથે લાખો રૂપિયાની છેતરપીંડી થઈ છે. આ યુવકને રાતોરાત કરોડપતિ થવાની લાલચ ભારે પડી હતી. આ યુવકે રાતોરાત કરોડપતિ બનવા માટે એક તાંત્રિકને વિધિ કરવા માટે 2.15 લાખ રૂપિયા આપ્યા હતા. જે લઇને તાંત્રિક ફરાર થઈ ગયો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા પારડી પોલીસે ઠગ ભુવાને ગણતરીની કલાકોમાં જ ઝડપી લીધો હતો.
શું છે સમગ્ર ઘટના?
વલસાડના પારડીના પરીયા ગામમાં રહીને ગેરેજ ચલાવતા એક યુવક સાથે અન્ય એક યુવકે છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે. આ યુવકના એક સગાએ અનવર ઠેબા નામના વ્યક્તિ સાથે મુલાકાત કરાવી હતી. અનવરભાઈએ પોતે તાંત્રિક વિદ્યામાં નિષ્ણાત હોવાનું જણાવી યુવક ને રૂપિયા 11 લાખના બદલે રૂપિયા 5 કરોડ બનાવી આપવાની લોભામણી લાલચ આપી હતી.
રાતોરાત કરોડપતિ થવાની લાલચમાં આવેલા યુવક પાસેથી તાંત્રિક અનવરે 2.15 લાખ રૂયિયાની છેતરપિંડી આચરી હતી. આ અંગે યુવકે પારડી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી. જે બાદ પારડી પોલીસ દ્વારા ગણતરીની કલાકોમાં જ ઠગ તાંત્રિક અનવરની મોરબીથી ધરપકડ કરી લેવામાં આવી હતી.
આ રીતે કેળવ્યો વિશ્વાસ
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ ઠગ તાંત્રિક અનવર દ્વારા ફરિયાદી યુવકનો વિશ્વાસ કેળવવા માટે એક વિધિ દરમિયાન પાણીની ટાંકીમાં શેમ્પુ અને પાવડર નાખી ફીણ બનાવવામાં આવ્યું હતું. જે બાદ તેમાં કાગળના બંડલો નાંખ્યા અને પછી તેમાંથી રૂપિયા 20 અને 500ની અસલી નોટોના બંડલ બહાર કાઢી બતાવ્યા હતા. જે જોઈને યુવકે તેના પર વિશ્વાસ કરી લીધો હતો. જે બાદ આ યુવકે સમયાંતરે રોકડ અને ગુગલ-પેના માધ્યમથી કુલ 2.15 લાખ રૂપિયા તાંત્રિક અનવરને આપ્યા હતા.
500ની નોટોના બંડલોની કોથળી આપી
રૂપિયાના બદલામાં અનવરે પીડિત યુવકને એક કોથળી આપી હતી. જેમાં તેને રૂપિયા 500ની નોટોના બંડલો હોવાનુ જણાવ્યું હતું. આ કોથળી આપી તેણે તેને બીજા દિવસે ખોલવા માટે કહ્યું હતું. જ્યારે બીજા દિવસે યુવકે આ કોથળી ખોલી, તો તેમાંથી માત્ર તેમાં પહેલી અને છેલ્લી નોટ અસલી અને વચ્ચેની નોટ નકલી હતી. જ્યારે બાકીના તમામ બંડલો પર 'ભારતીય મનોરંજન બેન્ક' લખેલું હતું.
આ રીતે તેની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતા તેમણે પારડી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી હતી. પારડી પોલીસ દ્વારા આરોપી તાંત્રિક અનવરની ધરપકડ કરી લેવામાં આવી છે. આ સાથે આરોપીએ આ પહેલા અન્ય કોઈ સાથે આવા પ્રકારની ઠગાઈ કરી છે કે કેમ એ અંગે તપાસ હાથ ધરી છે.