રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સલામતી, સુવિધા અને કામગીરીમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે રાજ્યના સચિવોને જિલ્લાકક્ષાએ જઈને જાત નીરિક્ષણ થકી વિવિધ કામગીરીની સમીક્ષા બેઠક કરવામાં આવી રહી છે. જેને ધ્યાને લઈ વલસાડ જિલ્લાના પ્રભારી સચિવ રેમ્યા મોહને કલેક્ટર કચેરી ખાતે મહત્વના વિવિધ મુદ્દાઓ પર વિસ્તારથી સમીક્ષા કરી હતી.


નગરપાલિકાના બ્રિજોની સ્થિતિ અને કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વના વિભાગો દ્વારા પ્રેઝન્ટેશન ચાર્ટ થકી કરવામાં આવેલી કામગીરીનો પ્રભારી સચિવને ચિતાર આપ્યો હતો. માર્ગો ઉપર વરસાદી સિઝન દરમિયાન થયેલું ધોવાણ-નુકસાન બાદ દુરસ્તીકરણની કામગીરી અંગે પ્રભારી સચિવે સમીક્ષા કરી હતી. સચિવે મુખ્યમંત્રીના દિશા-નિર્દેશો મુજબ, વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે, પંચાયત હસ્તકના માર્ગો, નગરપાલિકાના બ્રિજોની સ્થિતિ અને કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી. પ્રભારી સચિવે અમલીકરણ અધિકારીઓ પાસેથી વિવિધ માર્ગો પર આવેલા બ્રિજની સ્ટેબિલિટી અને તેમાંથી કેટલાંક બ્રિજ ભારે વાહન માટે પ્રતિબંધિત છે કે કેમ તેની વિગતવાર માહિતી મેળવી હતી. બંધ કરાયેલા બ્રિજોની વિગતો મેળવી, બ્રિજની ટ્રાફિક ભારક્ષમતા, બ્રિજોની હાલની સ્થિતિથી ડાયવર્ઝન થયેલા રૂટમાં આવતા ગામડાંઓના રોડ- રસ્તાની મરામત અને મોટરેબલ રહે તે માટે સૂચનો તેમણે કર્યા હતા. તેમણે જરૂરી રીપેરિંગ, મેઈન્ટેનન્સ તથા વાહન વ્યવહાર સતત જળવાઈ રહે તેવા આયોજન કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

જોખમી હોય તેવી તમામ બિલ્ડીંગ બંધ કરવા સૂચના

પ્રભારી સચિવે જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક શાળાના મકાનો, આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પંચાયત ઘર અંગે પણ બારીકાઈથી સમીક્ષા કરી હતી. જોખમી હોય તેવી તમામ બિલ્ડીંગ બંધ કરવા અને આ માળખાની સ્થિતિને સુદૃઢ બનાવવા માટે તુરંત પગલાં લેવાના સૂચનો આપ્યા હતા. જિલ્લામાં નાગરિકોને કોઈ તકલીફ ન થાય અને સેવાઓ સતત ઉપલબ્ધ રહે તે જોવા ઉપર ખાસ ભાર મૂક્યો હતો. રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં નાગરિકોની સુરક્ષા અને વિકાસને કેન્દ્રમાં રાખીને વિવિધ માળખાગત સુધારાઓ તેમજ કામગીરીના નિરીક્ષણ માટે તાત્કાલિક પગલાં લેવાઈ રહ્યા છે.


  • Follow us on: