વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં ફરજ બજાવતા બે હોમગાર્ડ જવાનોને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યા છે. ગુજરાતમાં કડક દારૂબંધી હોવા છતાં, મહારાષ્ટ્ર તરફથી દારૂ ઘુસાડવા માટે આ હોમગાર્ડ જવાનોએ લાંચની માંગણી કરી હતી.


બે હોમગાર્ડ જવાનોને ACBએ લાંચ લેતા ઝડપી પાડ્યા 

પ્રાપ્ત વિગતો અનુસાર, ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોમગાર્ડ અનિલ અને સુજીત નામના બે જવાનોએ દારૂની હેરાફેરી માટે રૂ. 5,000ની લાંચની માંગણી કરી હતી. અંતે, રૂ. 5,000માંથી રૂ. 4,500 સ્વીકારતા સમયે જ વલસાડ ACBની ટીમે છટકું ગોઠવીને તેમને ઝડપી પાડ્યા હતા.

દારૂ ઘુસાડવા માટે લાંચની માંગણી કરી

લાંચિયા હોમગાર્ડ જવાનોએ ગુજરાતમાં ગેરકાયદેસર રીતે મહારાષ્ટ્રમાંથી દારૂ ઘુસાડવા દેવાના બદલામાં આ રકમ માંગી હતી. જોકે, ફરિયાદીએ તેમને લાંચ આપવાને બદલે ACBનો સંપર્ક કર્યો હતો. ACBએ પુરાવા સાથે બંને હોમગાર્ડ – અનિલ અને સુજીત – ની ધરપકડ કરીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સરહદી વિસ્તારોમાં દારૂબંધીના કાયદાનો અમલ કરાવવાની જવાબદારી ધરાવતા કર્મીઓ જ જ્યારે ભ્રષ્ટાચારમાં સંડોવાય છે, ત્યારે આવા બનાવો પોલીસ વિભાગની છબીને લાંછન લગાડે છે. વલસાડ ACBની આ કાર્યવાહીથી સરહદી વિસ્તારોમાં ફરજ બજાવતા અન્ય ભ્રષ્ટ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

  • Follow us on: