વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખાંડા ગામે દીપડાના હુમલાની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક શ્વાન પર દીપડાએ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના એક ઘરની બહાર લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. ધરમપુર તાલુકાના ખાંડા ગામે આવેલા એક રહેણાંક વિસ્તારમાં દીપડો ત્રાટક્યો હતો. મોડી રાત્રે દીપડો એક ઘરના આંગણા પાસે પહોંચ્યો. જ્યાં એક શ્વાન સૂતેલો હતો.


ધરમપુરના ખાંડા ગામે બની ઘટના

દીપડાએ તકનો લાભ લઈને અચાનક શ્વાન પર હુમલો કર્યો હતો. શ્વાને પોતાનો જીવ બચાવવા માટે પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ દીપડાની તાકાત સામે તે લાચાર બની ગયો હતો. આ હુમલાની સમગ્ર ઘટના તે ઘરના કમ્પાઉન્ડમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. સીસીટીવી ફૂટેજમાં દીપડાના હુમલાની ભયાનકતા કેદ થઈ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.

ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ

ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી ધરમપુર તાલુકાના જંગલ વિસ્તારની નજીક આવેલા ગામોમાં દીપડાના આંટાફેરા વધી ગયા છે. દીપડા દ્વારા પશુઓ પર હુમલાની ઘટનાઓ પણ અવારનવાર બની રહી છે. પરંતુ રહેણાંક વિસ્તારમાં ઘૂસીને શ્વાન પર હુમલો કરવાની આ ઘટનાએ ગ્રામજનોની ચિંતામાં વધારો કર્યો છે. ગ્રામજનોએ આ મામલે તાત્કાલિક વન વિભાગને જાણકારી આપી છે અને દીપડાને પકડી પાડવા માટે પાંજરું ગોઠવવાની માંગ કરી છે.


  • Follow us on: