વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. જ્યાં હનમતમાળ ગામમાં એકસાથે બે યુવક મિત્રોએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. બંને મિત્રોના આપઘાતનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. જેના કારણે રહસ્ય ઘેરું બન્યું છે. ધરમપુર તાલુકાના હનમતમાળ ગામ નજીક ડુંગર ઉપર એક ઝાડની એક જ ડાળી પર બંને યુવકોએ ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.


ધરમપુર તાલુકાના હનમતમાળની ઘટના

સ્થાનિકોએ ઝાડ પર બંનેની લટકતી લાશ જોતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનાર બંને મિત્રોની ઓળખ 20 વર્ષીય વિનય અને 20 વર્ષીય મુકેશ તરીકે થઈ છે. બંને યુવકોની ઉંમર માત્ર 20 વર્ષ હોવાથી તેમના આ અંતિમ પગલા પાછળનું કારણ શું હોઈ શકે તે અંગે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. યુવાનીના આરે જ આ બંને મિત્રોએ શા માટે એકસાથે મોતને વહાલું કર્યું તે મોટો સવાલ છે.

બે મિત્રોના આપઘાતનું કારણ અકબંધ

ઘટનાની જાણ થતા જ ધરમપુર પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે બંને મિત્રોની લાશને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. ધરમપુર પોલીસે સમગ્ર બનાવ અંગે ફરિયાદ નોંધી છે અને બંને મિત્રોના આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે ઊંડાણપૂર્વક વધુ તપાસ હાથ ધરી છે. મિત્રોના આ ગમગીન અંતથી હનમતમાળ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


  • Follow us on: