વલસાડ જિલ્લામાં આજે મોડી સાંજે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને પવન તથા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સાંજે 4 વાગ્યાથી 8 વાગ્યા સુધીના માત્ર 4 કલાકના સમયગાળામાં જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી હતી. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. જિલ્લાના વરસાદના આંકડા જોઈએ તો 4 કલાકમાં વલસાડ તાલુકામાં 50 મિમી (2 ઇંચ) અને કપરાડા તાલુકામાં સૌથી વધુ 54 મિમી (2 ઇંચથી વધુ) વરસાદ નોંધાયો હતો.


ધરમપુર, પારડી તાલુકામાં 1-1 ઇંચ વરસાદ

આ ઉપરાંત પારડી તાલુકામાં 36 મિમી (લગભગ દોઢ ઇંચ), ઉમરગામ તાલુકામાં 35 મિમી (લગભગ દોઢ ઇંચ) અને ધરમપુર તાલુકામાં 25 મિમી (1 ઇંચ) વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદને કારણે પારડી નેશનલ હાઇવે 48 પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે હાઇવેના ટ્રાફિકને ગંભીર અસર થઈ હતી અને વાહનવ્યવહાર ધીમો પડ્યો હતો. શહેરી વિસ્તારની વાત કરીએ તો વલસાડ શહેરમાં પણ અનેક મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

ઉમરગામમાં 1 ઇંચ, કપરાડામાં બે ઇંચ વરસાદ

ખાસ કરીને દાણા બજાર અને છીપવાડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કમોસમી વરસાદના આ બીજા રાઉન્ડથી એક તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો બીજી તરફ ખેડૂતોને તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે. તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.


  • Follow us on: