વલસાડ તાલુકાના સેગવી ગામની ૧૦ વર્ષીય તેજસ્વી દોડવીર પ્રીસ્તી પટેલે એક પછી એક ચાર મોટી સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પોતાનું ગામ, તાલુકો, જિલ્લો તથા સમગ્ર દક્ષિણ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. તાજેતરમાં યોજાયેલા ખેલ મહાકુંભમાં પણ સિધ્ધિ મેળવી છે.


શ્રેષ્ઠ પ્રદર્શન કરી સતત બીજી વાર પ્રથમ ક્રમાંક મેળવ્યો

વલસાડની ખીમચંદ મૂળજી સ્કૂલ ખાતે સપ્ટેમ્બર માસમાં SGFI દ્વારા યોજાયેલી ૬૦૦ મીટરની દોડ પ્રીસ્તીએ માત્ર ૨ મિનિટ ૧૦ સેકન્ડમાં પૂર્ણ કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. SGFI દ્વારા જિલ્લા સ્તર સ્પર્ધામાં પણ પ્રિસ્તી એ ફરી શ્રેષ્ઠ પ્રદર્શન કરી સતત બીજી વાર પ્રથમ ક્રમાંક મેળવી પોતાની ઝડપનો પરચમ લહેરાવ્યો હતો. દાહોદના દેવગઢ બારીયા ખાતે યોજાયેલી ગ્રામિણ ઓલિમ્પિકમાં પ્રિસ્તીએ અંડર-૧૬ કેટેગરીની ૨૦૦ મીટરની દોડ માત્ર ૩૨.૨૦ સેકન્ડમાં પૂર્ણ કરી દ્વિતીય ક્રમાંક મેળવ્યો હતો.

૧૧ કેટેગરીમાં ફરીથી ૫૦ મીટર અને ૧૦૦ મીટરમાં દોડશે

હાલમાં વલસાડની ખીમચંદ મૂળજી સ્કૂલ ખાતે નવેમ્બર માસમાં યોજાયેલા તાલુકા સ્તરના ખેલ મહાકુંભમાં ફરી એકવાર અંડર -૧૧ની કેટેગરીમાં ૫૦ મીટરની દોડમાં પ્રિસ્તીએ પોતાના ચમકદાર પ્રદર્શન દ્વારા પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આ દોડ તેણીએ ૭ સેકન્ડ અને ૭૦ માઈક્રો સેકન્ડમાં પૂર્ણ કરી હતી. હવે આગામી તા. ૪ ડિસે.એ કોલેજ ગ્રાઉન્ડ પર જિલ્લા લેવલે અંડર- ૧૧ કેટેગરીમાં ફરીથી ૫૦ મીટર અને ૧૦૦ મીટરમાં દોડશે.

પ્રિસ્તી પટેલ હાલ આર.જે.જે સ્કૂલમાં ધો.૫ માં ભણે છે

સેગવીની દોડવીર પ્રિસ્તી પટેલ હાલ આર.જે.જે સ્કૂલમાં ધો.૫ માં અભ્યાસ કરે છે. નિયમિત પ્રેક્ટિસ, શિસ્તબદ્ધ વ્યાયામ અને ડાયેટને કારણે પ્રિસ્તી સતત સફળતા હાંસલ કરી રહી છે. તેનો સંકલ્પ વર્ષ ૨૦૩૬ના ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ અપાવવાનો છે. આ સિદ્ધિઓ પાછળ પ્રિસ્તીના પિતા અંકિત પટેલ, માતા, પરિવારજનો અને સેગવી ગામના લોકોનો સહયોગ તથા આશીર્વાદ પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે.


  • Follow us on: