દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસથી (17 સપ્ટેમ્બર) શરૂ થયેલું ‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’’ અભિયાન દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ દિવસ 2 ઓક્ટોબર સુધી ચાલવાનું છે. ત્યારે વલસાડ જિલ્લામાં આ રાષ્ટ્રવ્યાપી અભિયાનનો રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના અધ્યક્ષસ્થાને અને લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલના ઉદઘાટક પદે વલસાડ સિવિલ હોસ્પિટલના જીએમઈઆરએસ ઓડિટોરીયમ ખાતેથી શુભારંભ થયો હતો.
9 લાખ લોકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા
ભારત સરકાર દ્વારા 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન ‘‘સ્વસ્થ નારી, સશકત પરિવાર’’ અભિયાનની ઉજવણીના પ્રારંભ પ્રસંગે નાણાં મંત્રી કનુ દેસાઈએ દેશના પ્રધાનસેવક તરીકે પોતાને ઓળખાવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાસ્થ્ય સારૂ રહે તેવી શુભેચ્છા પાઠવી જણાવ્યું કે, આરોગ્ય ક્ષેત્રે વિશ્વની સૌથી મોટી આયુષ્યમાન કાર્ડ યોજના નરેન્દ્રભાઈએ શરૂ કરાવી દેશના લાખો કરોડો નાગરિકોના પૈસા અને જીવન બંને બચાવ્યા છે. વલસાડ જિલ્લામાં 10 લાખના લક્ષ્યાંક સામે 9 લાખ લોકોને આયુષ્યમાન કાર્ડ આપવામાં આવ્યા છે. આ સાથે જ 70 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝનોને આવકના દાખલા વગર આયુષ્યમાન કાર્ડ આપવામાં આવી રહ્યા છે. નરેન્દ્રભાઈના જન્મદિવસથી ગાંધીજીના જન્મ દિવસ સુધી થનારી આ ઉજવણીમાં સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાન, એક પેડ મા કે નામ, મેડિકલ કેમ્પ અને રક્તદાન શિબિર સહિતના સેવાકીય કાર્યક્રમો થઈ રહ્યા છે.
ગુજરાત સોલારથી સૌથી વધુ વીજળી ઉત્પાદન કરનાર પ્રથમ રાજ્ય બન્યું
મંત્રીએ ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે તાજેતરમાં પંજાબ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વધુ પડતા વરસાદ અને વાયુ પરિવર્તનને કારણે થઈ રહેલી અસરો જણાવી હતી. જેના નિરાકરણ માટે રિન્યુએબલ એનર્જી ઉપર ભાર મુકી મંત્રીએ કહ્યું કે, કોલસાના કારણે થઈ રહેલા પ્રદૂષણને અટકાવવા માટે મોદીજીએ સોલાર પોલીસી અમલમાં મુકી હતી. આજે ગુજરાત સોલારથી સૌથી વધુ વીજળી ઉત્પાદન કરનાર પ્રથમ રાજ્ય બન્યુ છે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ખેડૂતોને દિવસે પણ વીજળી મળી રહી હોવાનો ઉલ્લેખ કરી મંત્રીએ કહ્યું કે, વર્ષ 2004થી તાત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગામડામાં 24 કલાક વીજળી આપવામાં આવી રહી છે.
નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે દેશનું સુકાન સંભાળતા આજે આપણું અર્થતંત્ર ચોથા ક્રમે : સાંસદ ધવલ પટેલ
લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે જણાવ્યું કે વડાપ્રધાને આજે તેમના જન્મ દિવસે મધ્યપ્રદેશના ધાર જિલ્લાથી ‘‘સ્વસ્થ નારી, સશક્ત પરિવાર’’ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી પ્રારંભ કરાવ્યો છે. તેમના જન્મ દિવસે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે. આપણા દેશની અર્થવ્યવસ્થા પહેલા 11માં ક્રમે હતી, પરંતુ નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે દેશનું સુકાન સંભાળતા આજે આપણુ અર્થતંત્ર ચોથા ક્રમે છે. આગામી વર્ષ 2047માં દેશની આઝાદીને 100 વર્ષ પુરા થશે, ત્યાં સુધીમાં આપણો દેશ વિકસિત રાષ્ટ્રની સાથે વિશ્વગુરૂ બની જશે. આપણું રાષ્ટ્ર ત્યારે જ વિકસિત થશે કે જ્યારે નારી સ્વસ્થ હોય અને પરિવાર સશકત હોય તે માટે જ આ અભિયાન શરૂ કરાયું છે. વડાપ્રધાને મહિલાઓની પીડા જોઈને ઉજ્જવલા યોજના અમલમાં મુકી હતી આ સાથે જ પીએમ આવાસ યોજના સાથે કરોડો શૌચાલય બનાવ્યા છે. દીકરીઓ શિક્ષિત બને તે માટે બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનની શરૂઆત કરાવી હતી. લોકસભા અને વિધાનસભામાં મહિલાઓનું નેતૃત્વ વધે તે માટે 33 ટકા અનામતની જોગવાઈ કરી છે.