ઉત્તર ગુજરાતમાં વાવ થરાદ જીલ્લામાં બે દિવસથી વરસાદ શરૂ થતાં ખેડૂતોના માથે ફરી આકાશી આફત આવી પડતાં મોઢે આવેલો કોળિયો છીનવાયો છે. જિલ્લામાં સપ્ટેમ્બર માસથી વરસાદે કહેર મચાવી છે. જેમાં ખેડૂત પુત્રને આકાશી આફત આવી રહી છે ત્યારે અગાઉ આવેલા વરસાદના પાણી હજુ ઓસર્યા નથી. કેટલાક ગામો જળબંબાકાર બનેલ જોવા મળી રહ્યાં છે જેમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેની સહાય પણ હજી સુધી ચૂકવાઈ નથી.
ખેડૂતોએ ખેતરમાંથી પાક કાઢવાની તૈયારીઓ કરી હતી
શિયાળાની શરૂઆત સાથે જ હવામાનમાં પલટો આવતાં માવઠું થયું હતું. માવઠાને કારણે ઠંડીમાં વધારો થયો છે. અણધાર્યા વરસાદને કારણે ખેડૂતોએ વાવેલી મગફળીના પાક પર અસર થઈ છે. ખેડૂતોએ ખેતરમાંથી પાક કાઢવાની તૈયારીઓ કરી હતી અને માવઠુ થતાં ખેડૂતો સહિત ખેત મજૂર પરિવારો ચિંતિત થયા હતાં. માવઠાને કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જતાં સરકાર પાસે રાહત સહાયની માગ કરી રહ્યાં છે. અગાઉ થયેલા નુકસાનની સહાય મળી નથી ત્યાં કુદરતે વધુ એક મુસીબત ઉભી કરી દેતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો હતો.













