બનાસકાંઠાના વિભાજન બાદ નવા બનેલા થરાદ જિલ્લામાં નર્મદા કેનલામાંથી ગત 13 તારીખે અમદાવાદના એક RTI કાર્યકર રસિક પરમારનો મૃતદેહ મળ્યો હતો. આ ઘટનામાં આત્મહત્યા નહીં પણ હત્યા થઈ હોવાનો ખુલાસો થયો છે. થરાદ પોલીસે આ હત્યાનો ભેદ ગણતરીના દિવસોમાં જ ઉકેલી નાંખ્યો છે. જેમાં ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


હત્યા માટે 20 લાખ રૂપિયાની સોપારી આપી

બિલ્ડર લોબીએ આ આરટીઆઈ એક્ટિવિસ્ટનો કાંટો કાઢી નાંખવા માટે 20 લાખની સોપારી આપી હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યાં છે. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મૃતક રસિક પરમાર આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે ભ્રષ્ટાચારને ખુલ્લો પાડતા હતાં. આ કેસમાં પોલીસની આઠ ટીમો તપાસમાં કામે લાગી હતી. જેમાં ખુલાસો થયો હતો કે, બિલ્ડર લોબીએ તેમની હત્યા માટે 20 લાખ રૂપિયાની સોપારી આપી હતી.

ગુનાનો ભેદ ઉકેલવા પોલીસે આઠ ટીમોની રચના કરી

DySp એસ.એમ. વરોતરિયાએ જણાવ્યું હતુ કે, થરાદ પોલીસને નર્મદા કેનાલમાં એક મૃતદેહ મળ્યો હોવાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ મૃતદેહ જોઈને તપાસ કરતાં મૃતકના ગળાના ભાગે કાપાના નિશાન જણાઈ આવતા હત્યા થયાની શંકા ગઈ હતી. મૃતદેહના પીએમ રીપોર્ટમાં પણ તે કુદરતી મોત કે આત્મહત્યા નહીં પણ હત્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મૃતકની ઓળખના પ્રયાસો કરતાં તે અમદાવાદના રસિકભાઈ હોવાનું પોલીસને જણાયું હતું. મૃતકના ભત્રીજાની ફરિયાદને આધારે થરાદના પોલીસ અધિક્ષકની સૂચનાથી ગુનાનો ભેદ ઉકેલવા પોલીસે આઠ ટીમોની રચના કરી હતી.

આરોપીનું લોકેશન મળતાં જ તેને ઝડપી લેવાયો હતો

ડીવાયએસપીએ જણાવ્યું કે,પોલીસને તપાસ દરમિયાન એક આરોપીનું લોકેશન મળતાં જ તેને ઝડપી લેવાયો હતો. તેણે પોલીસની પુછપરછમાં બધી જ હકીકત જણાવી હતી.આ કેસમાં બિલ્ડર લોબીની સંડોવણી ખુલી છે. ઝુંપડપટ્ટી કે વસાહતોના રીડેવલપમેન્ટ હેઠળ નવા મકાનો મળવાપાત્ર હતાં ત્યાં આરોપીઓએ બોગસ ગ્રાહકો ઉભા કરીને આખી સ્કીમ શરૂ કરી હતી. મૃતક આ ષડયંત્રનો પર્દાફાશ કરવાના હોવાથી તેઓ કાંટો બની ગયા હતાં. જેથી તેમની હત્યા કરવા માટે પૂર્વઆયોજિત કાવતરૂ કરવામાં આવ્યું હતું.


  • Follow us on: