ગુજરાતમાં કડી અને વિસાવદરમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ હતી. 19 જૂનના રોજ બંને બેઠક પર પેટાચૂંટણીમાં લોકોએ ઉત્સાહતપૂર્વક મતદાન કર્યું હતું. અને આજે 23 જૂનના રોજ પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા. બપોરના 12 વાગ્યા બાદ પેટાચૂંટણીમાં બંને બેઠકો પર કોને જીત મળી તેને લઈને ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. કડીમાં ભાજપને જીત મળી જ્યારે વિસાવદરમાં ફરી ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો. વિસાવદરમાં પેટાચૂંટણીમાં ભાજપ અને આપ વચ્ચેના જંગમાં આપ પાર્ટીએ બાજીમારી.


આ જીત સમગ્ર ગુજરાતની જીત

પેટાચૂંટણીમાં વિસાવદરમાં AAP નેતા ગોપાલઇટાલિયાની જીત થઈ છે. AAPના ગોપાલ ઇટાલીયાએ 17581 મતથી જીત મળતા પાર્ટીમાં પ્રાણ ફૂંકાયા જેવી સ્થિતિ થઈ. ગોપાલ ઇટાલિયાની જીતને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. ચૈતરવસાવાએ કહ્યું કે વિસાવદરની જનતાનો ખૂબ ખૂબ આભાર. આ જીત સમગ્ર ગુજરાતની જીત છે. અમને આનંદ છે કે વિસાવદરના લોકોએ કાલ્પનિક અને સપનાઓમાં રાચવાના બદલે વાસ્તવિકતાને લક્ષમાં રાખી મતદાન કર્યું. 

જનતાએ અમારા પર ભરોસો મૂક્યો

વધુમાં તેમણે કહ્યું કે આપ પાર્ટી નેતા ગોપાલ ઇટાલિયાની જીત બતાવે છે કે પેરિસ જેવા રસ્તા બનાવવાની ખોટી વાતો જનતાએ નકારી છે. વિસાવદરની જનતાએ અમારા પર ભરોસો મૂક્યો છે. આ સાથે તેમણે વિસાવદરની જનતાને અભિનંદન આપતા કહ્યું કે   તેઓ લોભ લાલચમાં આવ્યા વગર સત્યનિષ્ઠાથી મતદાન કર્યું. વિસાવદરની જનતાનો ખૂબ ખૂબ આભાર. અમે તેમના પર વિશ્વાસ પર ખરા ઉતરીશું અને વિધાનસભામાં અમે મજબુત વિપક્ષની ભૂમિકા નીભાવીશુ

ગોપાલ ઇટાલિયાને મળ્યા સૌથી વધુ મત

જણાવી દઈએ કે કડી અને વિધાનસભાની પેટાચૂંટણીમાં મિશ્રણ પરિણામ આવ્યા છે. બેમાંથી એક બેઠક પર ભાજપનો વિજય થયો છે જ્યારે એક બેઠક ફરી ભાજપને હાથતાળી આપી જતી રહી. વિસાવદરની બેઠક પર આપ પાર્ટીનો વિજય થયો. આ બેઠક પર AAPના ગોપાલ ઇટાલીયાને 75906 મત મળ્યા.  જ્યારે ભાજપના કિરીટ પટેલને 58325 મત મળ્યા અને કોંગ્રેસના નીતિન રાણપરિયાને 5491 મત મળ્યા. આ પરિણામના આંકડા મુજબ કુલ મતના 51 ટકા મત ગોપાલ ઇટાલીયાને મળ્યા. ભાજપ ફરી એક વખત વિસાવદરની જનતાનો ભરોસો જીતવામાં નિષ્ફળ થયો.

  • Follow us on: