બનાસકાંઠા પ્રભારી તથા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને “યોગ ફોર વન અર્થ-વન હેલ્થ”ની થીમ સાથે પાલનપુર ખાતેથી ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરાઈ હતી. “સ્વસ્થ ગુજરાત- મેદસ્વીતા મુક્ત ગુજરાત”ના ધ્યેય સાથે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પાલનપુર ખાતે યોગ દિવસમાં જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં લોકોએ યોગ કર્યા હતા.


૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને બનાસકાંઠા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમમાં વહેલી સવારથી લોકો યોગમાં જોડાયા હતા. યોગ દિવસની ઉજવણીમાં મંત્રી બલવંતસિંહ રાજપૂતએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અથાગ પ્રયાસોથી, ૨૦૧૪માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો, અને ત્યારથી યોગ વિશ્વભરના કરોડો લોકોની દૈનિક જીવનશૈલીનો હિસ્સો બની ગયો છે.

સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત

આજે, ભાષા અને સંસ્કૃતિના ભેદભાવ ભૂલીને, વિશ્વના ખૂણેખૂણેથી લોકો યોગાભ્યાસ કરી રહ્યા છે, જે શાંતિ, સ્વાસ્થ્ય અને એકતાનો સંદેશ ફેલાવી રહ્યા છે. યોગ એક એવી વૈશ્વિક ભાષા બની ગયો છે જે કોઈ સીમાઓ જાણતી નથી અને દરેકને એકતાના તાંતણે બાંધે છે. મંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' કાર્યક્રમમાં મેદસ્વિતા જેવી ગંભીર સમસ્યા માટે ચિંતા વ્યક્ત કરી હતી. તેને ધ્યાને રાખીને, આપણા દૂરંદેશી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા સત્રમાં આ વર્ષને "સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત" તરીકે ઘોષિત કર્યું છે.

યોગ જીવનમાં સકારાત્મકતા લાવે છે

આ સંકલ્પને સાકાર કરવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 'સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત'ના સ્લોગન સાથે સમગ્ર ગુજરાતમાં હજારોની સંખ્યામાં યોગ શિબિરોનું આયોજન કરાયું છે. મંત્રીએ જણાવ્યું કે, યોગ એ ફક્ત શારીરિક વ્યાયામ નથી. તે જીવન જીવવાની એક કળા છે, એક વિજ્ઞાન છે, જે આપણને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્તરે જોડે છે. નિયમિત યોગાભ્યાસ દ્વારા આપણે તણાવ મુક્ત રહી શકીએ છીએ, રોગ પ્રતિકારક શક્તિ વધારી શકીએ છીએ, અને આપણા જીવનમાં સકારાત્મકતા લાવી શકીએ છીએ.

વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

યોગ આપણને આત્મ-શિસ્ત, સંયમ અને આત્મ-જાગૃતિ શીખવે છે, જે આપણને આપણા શ્વાસ સાથે જોડાઈને વર્તમાન ક્ષણમાં જીવવાની કલા શીખવે છે, જે મનની શાંતિ અને એકાગ્રતા માટે અનિવાર્ય છે. જિલ્લા કક્ષાની ઉજવણીમાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, અધિક કલેક્ટર સી.પી.પટેલ, પાલનપુર પ્રાંત અધિકારી કમલ ચૌધરી સહિત સબંધિત અધિકારીઓ, પોલીસ જવાનો, વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

  • Follow us on: