અમેરિકામાં ફાયરિંગની ઘટના કોઈ નવી વાત નથી પણ છેલ્લા ઘણા સમયથી ફાયરિંગની ઘટનાઓમાં ગુજરાતી લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે અને તેમની હત્યા કરવામાં આવી રહી છે. આવી જ વધુ એક ઘટના ફરી વખત અમેરિકાના પેન્સિલવેનિયામાં સામે આવી છે. અમેરિકાના પેન્સિલવેનિયાના પિસ્તબર્ગ ટાઉનમાં હાઉસ કિપિંગનું કામ કરતા યુવકની ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ યુવક સુરતના રાયમ ગામનો રહેવાસી હતો અને અમેરિકામાં હાઉસકિપિંગનું કામ કરતો હતો.
પોલીસે CCTVના આધારે આરોપીને ઝડપ્યો
ઉલ્લેખનીય છે કે આ હત્યાના સીસીટીવી પણ સામે આવ્યા છે અને આ સમગ્ર મામલે પેન્સિલવેનિયા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા સમયથી અંગત દુશ્મની હોવાના કારણે યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હાલમાં સુરત જિલ્લાના રાયમ ગામના પાટીદાર સમાજમાં શોકનો માહોલ છે. મૃતક રાકેશ પટેલ મૂળ બારડોલી તાલુકાના રાયમ ગામના રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી તેઓ અમેરિકામાં સ્થાયી થયા હતા.













