ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસિસ) એડમિશન પોર્ટલની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયા, અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઝના વાઈસ ચાન્સેલર પણ જોડાયા હતા.
કામગીરીની વિગતવાર સમીક્ષા કરાઈ
ગત્ વર્ષે રાજ્યની સરકારી યુનિવર્સિટીઝમાં એડમિશન માટે લોન્ચ કરવામાં આવેલ GCAS પોર્ટલ મારફતે શૈક્ષણિક વર્ષ 2025-26 માટેની એડમિશન પ્રક્રિયા ઘોરણ-12 ગુજરાત બોર્ડના પરિણામ બાદ હાથ ધરવામાં આવનાર છે. જેમાં પ્રો-એક્ટિવલી તમામ તૈયારીના ભાગરૂપે આજે યોજાયેલ સમીક્ષા બેઠકમાં ગત્ વર્ષે ધ્યાનમાં આવેલ ત્રુટિઓ, પ્રવેશ સલાહકાર સમિતિની ભલામણો તેમજ મંત્રીની સૂચનાને પગલે વિભાગને સમગ્ર પ્રક્રિયા સઘન અને સરળ બનાવવા માટે સોંપવામાં આવેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરાઈ હતી.
1,796 જેટલા વેરિફિકેશન સેન્ટર્સ કાર્યરત થશે
આ બેઠકમાં ઉપસ્થિત તમામ વાઈસ ચાન્સેલરોને સ્થાનિક સ્તરે તેમની વિવિધ કૉલેજમાં એડમિશન માટે આવતા એકપણ વિદ્યાર્થીને હાલાકી ન પડે તે પ્રકારની વ્યવસ્થા હાથ ધરવા મંત્રી ઋષિકશ પટેલે સૂચના આપી હતી. રાજ્યના તમામ સરકારી યુનિવર્સિટી સંચાલિત કૉલેજમાં ફ્રી ફોર્મ ફિલીંગ અને વેરીફેકશન સેન્ટર્સ કાર્યરત કરવાની અગાઉ આપવામાં આવેલી સૂચનાનું પણ રીવ્યું કરવામાં આવ્યું હતુ. આ યુનિવર્સિટીઝમાં કુલ 1,838 જેટલા ફ્રી ફોર્મ ફિલીંગ સેન્ટર અને કુલ 1,796 જેટલા વેરિફિકેશન સેન્ટર્સ કાર્યરત થશે. તદ્ઉપરાંત અન્ય 12થી 14 જેટલા માપદંડો અને એડમિશન પોર્ટલ સંલગ્ન કામગીરીનું રીવ્યુ કરીને બાકીની કામગીરીને 15 એપ્રિલ સુધી પૂર્ણ કરવા મંત્રીએ સૂચના આપી હતી.
ગયા વર્ષે 4.55 લાખ વિદ્યાર્થીઓએ એડમિશનનો લાભ લીધો
GCAS મારફતે એડમિશન મેળવવા માટે માહિતી મેળવવા કે પડતી મુશકેલીઓની રજુઆત કે ફરિયાદ કરવા માટે રાજ્ય સ્તરીય તેમજ યુનિવર્સિટી સ્તરે હેલ્પલાઈન પણ કાર્યરત કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે, સરકારી યુનિવર્સિટીઝની કૉલેજમાં એડમિશન મેળવવા માટે વન સ્ટોપ સોલ્યુશન સેન્ટર તરીકે GCAS પોર્ટલનો ગત્ વર્ષે શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં ગત્ વર્ષે યુ.જી. અને પી.જી.માં થઈને કુલ 4.55 લાખ જેટલા વિદ્યાર્થીઓએ એડમિશનનો લાભ લીધો હતો.