નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) કોલર્ન એજ્યુકેશન અને દા વન સ્પોર્ટ્સના સહયોગથી સમગ્ર ભારતના ક્રિકેટ કોચ માટે તાલીમ કાર્યક્રમ શરૂ કરવા તૈયાર છે, જેથી કરીને વિવિધ સ્તરોએ ખેલાડીઓને તાલીમ આપવાની તેમની ક્ષમતામાં વધારો થાય. ક્રિકેટ કોચ એજ્યુકેશન પ્રોગ્રામ એક સહયોગી પ્રયાસ છે, જ્યાં NSDC આ કાર્યક્રમ અંગે જાગૃતિ લાવવા માટે વર્કશોપનું આયોજન કરશે તેમજ આ પહેલ માટે પાત્ર ઉમેદવારોને કૌશલ્ય લોન પ્રદાન કરશે.


આ પહેલનો ઉદ્દેશ શ્રેષ્ઠતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો

આ પ્રોગ્રામમાં કોલર્ન (CoLLearn) એજ્યુકેશન ટેક્નોલોજીસ દ્વારા વર્ગોનું આયોજન કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ માટે સહયોગ પૂરો પાડવામાં આવશે, જ્યારે દા વન સ્પોર્ટ્સ વિદ્યાર્થીઓના મૂલ્યાંકન અને સર્વાંગી ક્ષેત્ર તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ પહેલ વિશે વાત કરતા નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC)ના સીઈઓ અને NSDC ઈન્ટરનેશનલ (NSDCI)ના મેનેજિંગ ડાયરેક્ટર વેદમણિ તિવારીએ જણાવ્યું કે, “આ પહેલનો હેતુ ફક્ત ટેક્નિકલ કૌશલ્યોમાં વધારો કરવાનો જ નથી, પરંતુ આ પહેલનો ઉદ્દેશ શ્રેષ્ઠતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનો છે, જે ક્રિકેટના કોચને તમામ સ્તરે ખેલાડીઓને અસરકારક માર્ગદર્શન આપવા માટે તૈયાર કરે છે.

આજે રમતગમત ક્ષેત્રે કુશળ ટ્રેનર્સની માગ સતત વધી રહી છે, ત્યારે એ બાબત ખૂબ મહત્વપૂર્ણ છે કે આપણે ક્રિકેટમાં કોચિંગના ધોરણોને વધુ ઊંચે લઈ જઈએ. સમય સાથે વિકસતી જતી આધુનિક કોચિંગ તકનીકોને એકીકૃત કરીને, અમે અમારા કોચને સ્પર્ધાત્મક વાતાવરણમાં વિકાસ માટે જરૂરી સાધનોથી સજ્જ કરી રહ્યા છીએ. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય મહત્વાકાંક્ષી કોચને સશક્ત બનાવવાનો છે, જેથી તેઓ ભારતીય રમતગમતના ગતિશીલ અને વિકસિત પરિદ્રશ્યમાં યોગદાન આપવા માટે સુસજ્જ હોય.

ખેલાડીઓના પ્રદર્શનને વધારવાની તક મળશે

આ કાર્યક્રમમાં ભાગ લેનારાઓને ક્રિકેટ માટે આવશ્યક તકનીકોની સંપૂર્ણ સમજ આપવામાં આવશે, જ્યારે કાર્યક્રમનો અભ્યાસક્રમ, કવાયતો અને વ્યૂહરચનાઓ મારફતે વ્યાવહારિક કોચિંગ કૌશલ્ય પર ભાર મૂકે છે, જે ખેલાડીઓના પ્રદર્શનને વધારવા અને મજબૂત ટીમ ગતિશીલતાને વધારવા માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. ખેલાડીઓની સલામતી અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે રમત સત્રો દરમિયાન અમલમાં મૂકવામાં આવતી ઈજા નિવારણ વ્યૂહરચનાઓ વિશે પણ કોચને તાલીમ આપવામાં આવશે. આ કાર્યક્રમનું એક મહત્વપૂર્ણ પાસું ક્રિકેટ એનાલિટિક્સનું એકીકરણ છે, જે ખેલાડીઓના પ્રદર્શનનું અસરકારક રીતે નિરીક્ષણ કરવા અને તેમાં સુધારો કરવા માટે કોચને સાધનો અને તકનીકોથી સજ્જ કરે છે.

આ પહેલ ગેમ ચેન્જર છે

આ અંગે શિખર ધવને જણાવ્યું કે “ક્રિકેટ એ ફક્ત રમત નથી, એ એક જુસ્સો છે, જે આપણા દેશને એક બનાવે છે. દરેક મહાન ખેલાડીની પાછળ એક કોચ હોય છે, જે તેનામાં વિશ્વાસ કરે છે, તેને માર્ગદર્શન આપે છે અને તેને પ્રેરણા આપે છે. આજે જ્યારે ભારતને ક્રિકેટની રમતના ભવિષ્યને આકાર આપવા માટે હજારો કુશળ કોચની જરૂર છે, ત્યારે દા વન સ્પોર્ટ્સ ક્રિકેટ કોચ એજ્યુકેશન પ્રોગ્રામ માટે કોલર્ન અને એનએસડીસી સાથે ભાગીદારી કરીને ગર્વની લાગણી અનુભવે છે. આ પહેલ ગેમ ચેન્જર છે, જે દેશના લોકોને તેમના ક્રિકેટ પ્રેમને કારકિર્દીમાં બદલવાની તક આપશે અને સાથે જ આવતીકાલના ચેમ્પિયન્સનું પણ નિર્માણ કરશે. તો આવો, પ્રત્યેક કોચને તાલીમ આપીને ભારતીય ક્રિકેટના ભવિષ્યને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે એકસાથે કામ કરીએ.”

ટેક્નિકલ કોચિંગ કૌશલ્યો ઉપરાંત, આ કાર્યક્રમ રમતગમત ક્ષેત્રે કારકિર્દી વિકસિત કરવા માટે મૂલ્યવાન ઈનસાઇટ્સ પણ પ્રદાન કરે છે. સહભાગીઓને તેમના રિઝ્યુમે બનાવવા માટે તેમજ ઇન્ટરવ્યૂની તૈયારી કરવા અંગે માર્ગદર્શન મળશે, જેના થકી તેમને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે તૈયાર કરવામાં આવશે. આ અભ્યાસક્રમ મૂલ્યાંકન તબક્કામ સાથે સમાપ્ત થાય છે, જેમાં ફીડબેક અને મેન્ટરશિપનો સમાવેશ થાય છે, જે સુનિશ્ચિત કરે છે કે, નવા તાલીમ પામેલા કોચ યોગ્ય કુશળતા અને તકનીકોથી સજ્જ છે, જે તેમને કોચ તરીકેની તેમની ભૂમિકાને વિકસિત કરવામાં અને સફળ થવામાં મદદ કરશે.

  • Follow us on: