સમગ્ર રાજ્યમાં નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા સામૂહિક ઝુંબેશરૂપે રાજ્યના અલગ-અલગ હાઇવે પર આવેલી હોટલોની આકસ્મિક ચકાસણી હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન તોલમાપ તંત્રના નાયબ નિયંત્રક/ મદદનીશ નિયંત્રક તેમજ ઇન્સપેક્ટરો દ્વારા રાજ્યના હાઇવે પર આવેલ હોટલો ખાતે તંત્રના કાયદા અને નિયમોની જોગવાઇઓનો ભંગ કરતા એકમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા સમગ્ર રાજ્યમાં દરોડા
નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા સામૂહિક ઝુંબેશમાં સમગ્ર રાજ્યમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં તપાસણી દરમિયાન હોટલોમાં પેકેજ ચીજ વસ્તુ અને ઠંડા પીણામાં એમ.આર.પી.થી વધુ ભાવ લેવા,જથ્થામાં ઓછુ આપવુ, વજનકાંટો ન રાખવો, મેનુ કાર્ડમાં ખાદ્ય પદાર્થનો જથ્થો ન દર્શાવવો તેમજ હોટલમાં વપરાતા ઇલેક્ટ્રોનિક વજનકાંટા ચકાસણી મુદ્રાંકન ન કરાવવા જેવી ગેરરીતિઓ સામે આવી છે. તોલમાપ તંત્રના નાયબ નિયંત્રક/ મદદનીશ નિયંત્રક તેમજ ઇન્સપેક્ટરો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કુલ 183 જેટલી હોટલો સામે કાયદેસરની કાર્યવાહી કરીને અંદાજે કુલ રૂ.4,63,000/- જેટલો દંડ કરવામાં આવ્યો છે. આ અંગે વધુ કાર્યવાહી હાલમાં ચાલુ છે.
જાગો ગ્રાહક જાગો
વધુમાં હાઇવે હોટલો પર બહોળા પ્રમાણમાં પોતાની મુસાફરી દરમિયાન ગ્રાહકો ખાદ્ય અને અન્ય ચીજવસ્તુઓની ઉતાવળે ખરીદી કરતા હોય છે. જેમાં ઘણી વખત તેમની પાસેથી વધુ ભાવ લઈને અથવા ઘણી વખત ચીજવસ્તુના વજન/માપમાં પણ છેતરવામાં આવતા હોય છે. આવા બનાવો ન બને અને ગ્રાહકો પણ પોતાના અધિકારોથી જાગૃત થાય અને છેતરાતા અટકે તેવા ગ્રાહક સુરક્ષાના વિશાળ હેતુથી કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા રાજ્યની હાઇવે હોટલો પર તંત્રના કાયદા/નિયમોની જોગવાઇઓનું પાલન થાય તે માટે આ રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
રાજ્યમાં દરોડામાં આ એકમો દંડાયા

