બનાસકાંઠા જિલ્લા પુરવઠા અધિકારી કે.કે.ચૌધરીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે, બનાસકાંઠા જિલ્લાના કુલ ૪,૪૬,૩૮૫ એન.એફ.એસ.એ. રેશનકાર્ડના કુલ ૨૨,૯૯,૪૩૭ લાભાર્થીઓ પૈકી ૪,૫૮,૫૮૮ રેશનકાર્ડના ૨૦,૧૭,૩૨૭ લાભાર્થીઓનું ઇ-કેવાયસી પૂર્ણ કરાયું છે તથા ૫,૭૯૭ એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધરાવતા કુલ ૨,૮૨,૧૧૦ લાભાર્થીઓનું ઇ-કેવાયસી બાકી છે.


બે માસનો અનાજનો જથ્થો એક સાથે અપાશે

તેઓ માટે સરકાર દ્વારા વ્યાજબી ભાવની દુકાને સ્પોટ ઇ-કેવાયસીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. બનાસકાંઠા જિલ્લો ૮૭.૭૩ ટકા રેશનકાર્ડ ઇ-કેવાયસી થકી રાજ્યમાં અગ્ર હરોળમાં સ્થાન ધરાવે છે. હાલમાં સરકાર દ્વારા માહે. મે-જુન/૨૦૨૫ના બંને માસનો જથ્થો એક સાથે આપવાનો નિર્ણય કરેલ છે. જેથી કોઇપણ લાભાર્થી વ્યાજબી ભાવની દુકાન પર ઇ-કેવાયસી કરાવીને જથ્થો મેળવી શકે છે. વધુમાં, રેશનકાર્ડમાં જેટલા સભ્યોનું ઇ-કેવાયસી થયેલ છે, તેટલા સભ્યોને તેમને મળવાપાત્ર જથ્થો મળતો રહેશે.

ઇ-કેવાયસી દરેક લોકો માટે ફરજિયાત છે

આ ઉપરાંત, ગ્રામ પંચાયત ખાતે વી.સી.ઇ., સ્થાનિક પોસ્ટ વિભાગના કર્મચારી, મામલતદાર કચેરી ખાતે તથા સેલ્ફ ઇ-કેવાયસી (My Ration App) થકી પણ સરકારશ્રી દ્વારા ઇ-કેવાયસીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેથી ઇ-કેવાયસી બાકી હોય તેવા એન.એફ.એસ.એ. લાભાર્થીઓ પોતાનું ઇ-કેવાયસી કરાવી, પોતાને મળવાપાત્ર અનાજનો જથ્થો સરળતાથી મેળવી શકે છે.

 

  • Follow us on: