• કચ્છ સરહદેથી ઘૂસણખોર ઝડપાયો
  • સુરક્ષા એજન્સીઓએ અટકાયત કરી
  • તપાસ પછી પોલીસને સોંપાશે

ગુજરાતની સંવેદનશીલ ગણાતી કચ્છ બોર્ડર પરથી એક પાકિસ્તાની ઘૂસણખોર સુરક્ષાદળોના હાથે ઝડપાઈ ગયો છે. આ મામલે પ્રાથમિક અહેવાલો અનુસાર ઘૂસણખોર પાસેથી ઘુવડ પણ મળી આવ્યું છે.

ગુજરાતની સંવેદનશીલ ગણાતી કચ્છ ઈન્ટરનેશનલ બોર્ડર પર હંમેશા ગુજરાતના દુશ્મનોની નજર રહેતી હોય છે. જેના માટે આ વિસ્તારમાં આપણાં સુરક્ષા દળો અને સિક્યોરિટી એજન્સીઓની પણ સતત ચાંપતી નજર રહેતી હોય છે. અવારનવાર આ વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ, ચરસ કે ગાંજા જેવા ડ્રગ્સની ઘૂસણખોરી થતી હોય છે. પરંતુ આપણાં સુરક્ષાદળો તેને ઝડપી પાડતાં હોય છે. આ વખતે પણ આવી જ એક ઘટનામાં પાકિસ્તાની ઘૂસણખોર સુરક્ષાદળોના હાથે ઝડપાઈ ગયો હોવાનું સામે આવ્યું છે.

હરામીનાળા અને સિરક્રિક પાસેની બોર્ડર ઘણી જ સંવેદનશીલ ગણાય છે. આ વિસ્તારમાં આપણાં સુરક્ષાદળો પણ ચાંપતી નજર રાખતા હોય છે. ખાસ કરીને ડ્રગ્સના કન્સાઈન્મેન્ટ ભરેલી પાકિસ્તાની બોટો, ઘૂસણખોરો વગેરે ગુજરાતમાં ઘૂસણખોરી કરવા માટે આ રૂટનો ઉપયોગ કરતા હોય છે. હાલમાં ઝડપી પડાયેલા ઘૂસણખોરની સુરક્ષા એજન્સીઓ દ્વારા ઉલટતપાસ ચાલી રહી છે. આગળ વધુ તપાસ માટે પછીથી તેને પોલીસને સોંપવામાં આવશે એવી જાણકારી સૂત્રો દ્વારા મળવા પામી છે.

શું છે હરામીનાળું?

કચ્છની પશ્ચિમ સીમાએ જ્યાં બોર્ડરનો અંતિમ પિલ્લર 1175 આવેલો છે ત્યાંથી 15 કિલોમીટર દૂર એક ક્રીક પાકિસ્તાનમાંથી નીકળી ભારતમાં આવે છે અને વળી પાછી પાકિસ્તાનમાં જાય છે.

એટલે કે ક્રીકના બે છેડા પાકિસ્તાનમાં છે અને વચ્ચે જે લટકતો ભાગ છે તે ભારતની સીમામાં છે એટલે એવું બનતું હતું કે, એક છેડામાંથી પાકિસ્તાની ઘૂસણખોરો ભારતમાં ગમે ત્યારે આવી જતા હતા અને બીજી બાજુથી પાછા પાકિસ્તાન જતા રહેતા હતા. આવા અટપટા વિસ્તારમાં પાકિસ્તાન દ્વારા અવારનવાર હરામખોરી કરવામાં આવતી હોવાને કારણે આ નાળાનું નામ હરામીનાળા પડ્યું હતું.

આ વિસ્તારમાંથી અવારનવાર ઘૂસણખોરી થવાના કારણે સુરક્ષા એજન્સીઓ માટે આ વિસ્તારની સુરક્ષા એક ચેલેન્જિંગ ટાસ્ક બની ગઈ હતી. હરામીનાળું એટલી હદે સંવેદનશીલ છે કે, બે દાયકા પૂર્વે લશ્કરે તોયબાનો તાલીમબદ્ધ ત્રાસવાદી ‘મુઝમ્મીલ’ ગુજરાત માટે રેકોર્ડ એવા 32 કિલો આરડીએક્સ સાથે અહીંથી જ ઘૂસ્યો હતો અને બાદમાં પકડાયો હતો તથા હાજીપીર ભીટારા નજીકના રણમાંથી વિસ્ફોટક બરામત થયા હતા. જો કે પછીથી આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા ટાઈટ કરવામાં આવી છે.

ઉબડખાબડ જમીન, તો ક્યાંક ત્રણથી ચાર ફૂટ ઉંડા પાણી અને દરિયાઇ જળચર સૃષ્ટિ આવી અનેક મુસીબતોનો સામનો કરીને બીએસએફની તે ટીમ દ્વારા આ વિસ્તારમાં એક પેટ્રોલબોટ મૂકવામાં આવી હતી. ત્યાર બાદ તો એક પછી એક બોટ અને રસદ હરામીનાળાએ ટ્રાઇ જંકશન ઉપર પહોંચતા ગયા અને ત્યાં બની ગઇ સીમા સુરક્ષા દળની એક કાયમી પોસ્ટ, જે હરામીનાળાના બન્ને છેડાની બરોબર વચ્ચે ભારતીય સીમામાં બનાવવામાં આવી છે. હાલ આ વિસ્તારમાં ભારતીય સુરક્ષા એજન્સીઓની સતત ચાંપતી નજર રહેતી હોય છે. જેથી આ વિસ્તારમાં ઘૂસણખોરી કરવી હવે નામુમકિન છે.


  • Follow us on: