પાલનપુરમાં પ્રેમીના ત્રાસથી મહિલાએ આપઘાત કર્યાનો કિસ્સો સામે આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી. મહિલાના પ્રેમીએ તેને ફોટા વાયરલ કરવાની ધમકી આપી. જેને મહિલાએ નજરઅંદાજ કરી પ્રેમીની ધમકીને વશ ના થઈ. જેના બાદ પ્રેમીએ મહિલાના દિકરાની હત્યા કરવાની ધમકી આપી. પોતાના વ્હાલસોયા પુત્રને ગુમાવવાના ડરથી મહિલાએ અંતિમ પગલું ભર્યું.મહિલાએ આપઘાત કરતા પતિએ ફરિયાદ નોંધાવી. મહત્વનું છે કે આજે પ્રેમની વ્યાખ્યા બદલાઈ છે. આજે કોઈપણ ભોગે પ્રેમ મેળવવાની વૃત્તિ જોવા મળી રહી છે.
પ્રેમીના માનસિક ત્રાસથી મહિલાએ ઝેરી દવા ગટગટાવી
મળતી માહિતી મુજબ પાલનપુરના ગોકળપુરા ગામમાં રહેતી પરિણીતાને તેના પ્રેમી દ્વારા છેલ્લા ઘણા સમયથી માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. પરિણીત મહિલાના ગામમાં રહેતા પ્રેમી દ્વારા ફોટા વાયરલ કરવાની અને દિકરાની હત્યા કરવાને લઈને વારંવાર વોટસ એપ પર મેસેજ કરી ધમકી અપાતી હતી. મહિલાનો પ્રેમી છેલ્લા સાત મહિનાથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપયોગમાં લેવાતી સ્નેપચેટ જેવી એપ પર મેસેજ મોકલીને હેરાન કરતો હતો. પ્રેમી દ્વારા અપાતો માનસિક ત્રાસ સહન ના થતાં અને પુત્રની હત્યા કરશે તેવા ભયમાં પરિણીતાએ પોતાના જ ઘરમાં ઝેરી દવા ગટગટાવી.મહિલાનો પતિ જ્યારે ઘરે આવ્યો ત્યારે મહિલાને થતી ઉલટીને લઈને પૂછયું તો તેણે કહ્યું કે તેણે ઝેરી દવા પીધી છે. આ બાબતની જાણ થતાં પતિ તાત્કાલિક પોતાની પત્નીને પાલનપુરની હોસ્પિટલમાં લઈ ગયો.
મહિલાનું મોત નિપજતા પતિએ કરી ફરિયાદ
હોસ્પિટલ લઈ જવા દરમિયાન પરિણીતાએ પ્રેમી દ્વારા થતી હેરાનગતિની જાણ કરી. પરિણીતાની હાલત વધુ ગંભીર હોવાથી પાલનપુરમાં સારવાર મળ્યા બાદ અમદાવાદ ખસેડવાની સલાહ આપી. ત્યારે અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવા દરમિયાન મહિલાની તબિયત વધુ બગડતા મહેસાણાની હોસ્પિટલમાં લઈ જવાઈ. પરંતુ ત્યાં ફરજ પરના તબીબે પરિણીતાનું મોત નિપજયું હોવાનું જણાવ્યું. મહિલાએ આત્મહત્યા કરવાનો કિસ્સો હોવાનું સામે આવ્યા બાદ હોસ્પિટલના સત્તાધીશોએ પોલીસને જાણ કરી. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. અને પતિ પાસેથી સમગ્ર ઘટનાની માહિતી મેળવી. આપઘાત કરનાર મહિલાના પતિએ માનસિક ત્રાસ આપનાર પ્રેમી ધવલ પરમાર સામે પાલનપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી. પોલીસની પ્રાથમિક તપાસમાં ઘંઉમાં નખાતી ઝેરી દવાની બોટલ મળી આવી.મહિલાના આપઘાતને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી.