ગુજરાતમાં ગેરકાયદે ગર્ભ પરીક્ષણ કરવા પર પ્રતિબંધ છે. તે છતાંય કેટલીક હોસ્પિટલોમાં આ પ્રકારના બનાવો સામે આવતા રહે છે. પેટલાદની ઈશિતા હોસ્પિટલમાં ગર્ભ જાતિ પરીક્ષણ અને ગેરકાયદે ગર્ભપાત થતા હોવાની બાતમી મળતા આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતાં. હોસ્પિટલના તબીબ સામે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.
સોનોગ્રાફી સહિતના મશીનો સીલ કરાયા
પ્રાપ્ત વિગતો પ્રમાણે પેટલાદની ઈશિતા હોસ્પિટલમાં ગર્ભ જાતિ પરીક્ષણ અને ગેરકાયદે ગર્ભપાત કરવામાં આવતા હોવાની બાતમી આરોગ્ય વિભાગને મળી હતી. આ બાતમીને આધારે આરોગ્ય વિભાગે ઈશિતા હોસ્પિટલમાં દરોડા પાડ્યા હતાં. જ્યાથી સોનોગ્રાફી સહિતના મશીનોની તપાસ કરાઈ હતી. ત્યાર બાદ મશીનોને સીલ કરી દેવાયા હતાં.
હોસ્પિટલના તબીબ સામે કાર્યવાહીની તજવીજ
આરોગ્ય વિભાગની તપાસમાં હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત અને ગર્ભ પરીક્ષણ થતું હોવાનું ફલિત થતાં હોસ્પિટલના તબીબ સામે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરાઈ છે. રાજ્યમાં ગેરકાયદે ગર્ભપાતની અનેક ઘટનાઓ સામે આવે છે. આ ઉપરાંત ગર્ભ પરીક્ષણ કરવું પણ ગુનો હોવા છતાં કેટલીક હોસ્પિટલો દ્વારા આ પ્રકારના પરીક્ષણો કરવામાં આવતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે આરોગ્ય વિભાગે ઈશિતા હોસ્પિટલમા દરોડા પાડીને તબીબ સામે કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.