આણંદના પેટલાદ તાલુકાના વટાવ પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકોએ પાણી બચાવવા માટે નાનો પ્રયત્ન કર્યો અને કરોડો લીટર પાણી બચાવ્યું છે. હાલ 'પાણી બચાવો' અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે, ત્યારે વટાવ પ્રાથમિક શાળાના આચાર્યએ ગામમાંથી ચોખ્ખા પીવાના અને વહી જતા પાણીને અટકાવવા માટે ઘરે ઘરે ફરીને 103 નળ લગાવ્યા અને 2 વર્ષમાં ગણતરી કરી તો 20 કરોડ લીટર પાણીનો બચાવ થયો છે.
103 નળ વેચવાનું ભગીરથ કાર્ય કર્યું
વટાવ પ્રા. શાળાના શિક્ષકોએ બે વર્ષમાં અંદાજિત 20 કરોડ લીટર પાણી નકામું વેડફાઈ જતું અટકાવ્યું છે. આજે વિશ્વમાં પાણીની અછત સર્જાઈ રહી છે, ત્યારે બે વર્ષ અગાઉ વટાવ પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશભાઈ વાઘેલાએ એક અનોખી પહેલ કરવાનો વિચાર આવ્યો. શાળામાં ગેરહાજર રહેતા બાળકોનો વાલી સંપર્ક કરવા જતી વખતે આચાર્યએ જોયું કે વટાવ ગામમાં ઘણા બધા એવા પરિવારો હતા કે જ્યાં પાઈપ દ્વારા ચોખ્ખું પાણી ગટરમાં વહી જતું હતું. નળ ન નાખેલો હોવાથી પાણીનો ખૂબ જ બગાડ થતો હતો. 'વિશ્વ જળ દિવસ' નિમિત્તે આચાર્ય દ્વારા 103 નળ વહેંચવામાં આવ્યા. ઘરે ઘરે ફરીને દરેકના ઘરે જાતે તેમણે નળ ફીટ કર્યા. આ ઉપરાંત બીજા ઘણા બધા નળ પણ એમણે વહેંચ્યા. આમ કુલ 103 નળ વેચવાનું ભગીરથ કાર્ય કર્યું.
દિવસનું 2700 લીટર જેટલું પાણી નકામું વહી જતું હતું
કાચબાની ચાલે શરૂ થયેલી તેમની પ્રગતિએ હનુમાન છલાંગ લગાવી દીધી. આજે નિલેશભાઈ સાથે શાળાના મદદનીશ શિક્ષક નીતિનભાઈ પણ ગ્રામ વિસ્તારોમાં ફરતા અને કેવી રીતે પાણી વેડફાઈ રહ્યું છે તેનું નિદર્શન પણ કરતા હતા. નકામા વેડફાઈ જતા પાણીની કિંમત સમજાવવા માટે તેમણે સવા લીટરની એક બોટલ લઈ અને દરેકને બતાવ્યું કે જુઓ 10 સેકન્ડમાં એક બોટલ ભરાઈ જાય છે આવી એક મિનિટમાં કુલ 6 બોટલ એટલે કે સાડા સાત લીટર પાણી નકામું ગટરમાં વહી જાય છે, તેનો બગાડ થાય છે. સવારમાં ત્રણ કલાક અને સાંજે ત્રણ કલાક પાણી ગામમાં છોડવામાં આવે છે. આ રીતે જો ગણતરી કરવામાં આવે તો એક કુટુંબ દ્વારા દિવસનું 2700 લીટર જેટલું પાણી નકામું વહી જાય છે. એટલે કે પાણીનો બગાડ થઈ રહ્યો છે. આવા કુલ 103 પરિવારો હતા. શિક્ષકોએ અને સાથી મિત્રએ ગણતરી કરીને બતાવ્યું કે આ રીતે તમે પાણીનો બગાડ કરશો તો રોજનું અંદાજિત 2,78,000 લીટર જેટલું પાણી નકામું વહી જાય છે. એક તરફ વિશ્વમાં પીવાના પાણીની તંગી સર્જાઈ રહી છે, ત્યારે તમે આ રીતે પાણીનો નકામો વેડફાટ કરો તે યોગ્ય નથી. લોકોને પીવાના પાણી માટે ટેન્કરો મગાવવા પડે છે અને તમે આ રીતે પાણીનો બગાડ કરી રહ્યા છો, તે યોગ્ય નથી! 'જળ બચાવો તો જીવન બચશે' આવું દરેક ઘરે ઘરે ફરીને નિલેશભાઈ તથા નીતિનભાઈ દ્વારા સમજાવ્યું છે.
પાણી બચાવવાની સમજ આપવા માટે અનેકવાર રેલી યોજવામાં આવી
પરિણામ એ આવ્યું કે એક વર્ષની ગણતરી મુજબ 10 કરોડ 15 લાખ 6 હજાર 500 લીટર જેટલું પાણી વેડફાઈ જતું અટક્યું છે. તેમના આ ઉમદા કાર્યથી બે વર્ષમાં અંદાજિત 20 કરોડ 30 લાખ 13 હજાર લીટર પાણીની બચત થઈ છે. જો દરેક વ્યક્તિ આ રીતે ગણતરી કરીને વિચારે તો પાણીની સમસ્યા કાયમ માટે હલ થઈ જાય. વટાવ પ્રાથમિક શાળાના આચાર્ય નિલેશભાઈ અને તેમને સાથ આપનાર નીતિનભાઈ, પ્રજ્ઞેશભાઈ તેમજ શાળાના તમામ શિક્ષક મિત્રો દ્વારા વિદ્યાર્થીઓને પાણીની બચતનું મહત્વ સમજાવવામાં આવ્યું. અનેકવાર રેલી યોજવામાં આવી અને એના ફળ સ્વરૂપે આ ન માની શકાય તેવું અકલ્પનીય અને અદભુત કાર્ય ટૂંકાગાળામાં કરી શક્યા. જો દરેક ગામ દરેક વ્યક્તિ આ રીતે વિચારશે તો વિશ્વમાં જળ સંકટ રહેશે નહીં.













