ભાવનગર સહિત ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ પવન સાથે ધોધમાર વરસાદ વરસી ગયો છે. જ્યાં વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે તો ક્યાંક ભારે પવન સાથે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. વરસાદના લીધે ક્યાંક જનજીવન અસરગ્રસ્ત થયું છે. મેઘવર્ષાના લીધે રોડ અને રસ્તા પાણી પાણી થઈ ગયા છે. ત્યારે ભાવનગર જિલ્લાના ગારીયાધાર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી ગયો છે. જેના લીધે બફારાથી ત્રાસેલા લોકોને ઠંડક પહોંચી છે.
ગારીયાધારમાં વરસાદ વરસ્યો
ભાવનગરના ગારીયાધાર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો.જે બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.ગારીયાધાર શહેરમાં અસહ્ય બફારા બાદ વરસાદનું આગમન થયું હતું. શહેરમાં વરસાદ વરસી જતાં શેરીઓ અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું. જેના લીધે વાહન ચાલકો અને રાહદારીઓને વરસાદને લીધે થોડી હાલાકી ભોગવવી પડી હતી. તો ભારે બફારા વચ્ચે વરસાદ થતા લોકોએ રાહત અનુભવી હતી.
વરસાદના લીધે ગરમીમાં લોકોને રાહત
ગારીયાધાર શહેર સિવાય તેના ગામો પર્વડી, પાચ્છેગામ, પાલડી ગણેશ ગઢ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા ગામડાઓના રસ્તાઓ અને કેટલાક ઉંડાણવાળી જગ્યાઓ પર પાણી ભરાયું હોવાનું સામે આવ્યું હતું. તો ગામડામાં બાળકો વરસાદમાં નહાતા જોવા મળ્યા હતા. ગારીયાધાર શહેરમાં વરસાદ વરસતા રોડ-રસ્તા પર પાણી ચાલતા થયા હતા.તેમજ પવનના સુસવાટા સાથે વરસાદ વરસતા ગરમીમાંથી લોકોને રાહત મળી હતી.