રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં આવેલી આર.પી. એન્ટરપ્રાઈઝ નામની આંગડિયા પેઢીમાંથી ગત તા. 13 એપ્રિલના રોજ જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં રહેતા રવિ શામજીભાઈ ડોબરીયા નામના શખ્સે જૂનાગઢના મિત પટેલ નામના શખ્સને 10 લાખ રૂપિયા મોકલ્યા હતા. જેમાં આંગડિયા પેઢીને એક મોટી રકમનું આંગડિયું કરવાનું હોવાથી આ 10 લાખની નોટોના બંડલની ગણતરી કરતા બે નોટોના બંડલમાં 6-6 નોટો નકલી નીકળી હતી.
નોટ બદલાવવા આવનારની વોચ ગોઠવાઈ ગઈ હતી
જેથી આવી નકલી નોટો કોઈ પધરાવી ગુન્હાહિત કૃત્ય કરતો હોય આ પેઢીના સંચાલકે પ્રથમ પૈસા જમા કરાવનાર રવિ ડોબરીયા નામના શખ્સને ફોન કરી 12 નકલી નોટ આવી હોવાનું જણાવતા મારા મિત્રને મોકલું છું તે નોટો બદલાવી જશે તેમ કહ્યું હતું. જેથી પેઢી સંચાલકે આ વિશે પોલીસને જાણ કરતા પોલીસ તરત જ પેઢીએ પહોંચી ગઈ હતી અને નોટ બદલાવવા આવનારની વોચમાં ગોઠવાઈ ગઈ હતી અને જેવો રવિ નોટ બદલવા આવતા આંગડિયા પેઢીના સંચાલકે પોલીસને ઈશારો કરી દેતા પોલીસે તરત જ તેને ઝડપી લીધો હતો. આ શખ્સને પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા તેણે જણાવેલું કે ધોરાજી શહેરના હિરપરાની વાડી મેઈન રોડ પર રહેતા તેનો મિત્ર પ્રજ્ઞેશ ઉર્ફે પ્રિન્સ ઉર્ફે લાલુ દિનેશભાઈ ઠુંમર અગાઉ રૂપિયા 10 લાખનું આંગડીયુ કરી આવ્યો હતો અને તેણે અમુક નોટોના બંડલમાં બનાવટી નોટ નાખી હોય જે નોટોના બંડલ મને કોઈને કહ્યા વગર કંઈ બોલ્યા વગર બદલી લાવવાનું કહ્યું હતું.
કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
જેથી આ બનાવટી નોટો વાળા બંડલ બદલવા માટે આવ્યો હોવાનું સ્વીકાર્યુ હતું. જ્યારે આંગડિયા પેઢીના સંચાલક નિકેશભાઈએ પોલીસને વધુમાં જણાવ્યું કે અગાઉ પણ પ્રજ્ઞેશ ઉર્ફે પ્રિન્સે 10 લાખ રૂપિયાનું આંગડિયું કરેલું તેમાં પણ નકલી નોટો નીકળી હતી, જે નોટો ધોરાજીના ખારવાવાડમાં રહેતો તેના મિત્ર મિત કિરણભાઈ અંટાળા બદલાવી ગયો હતો. જેથી પોલીસે પ્રિન્સ ઉર્ફે પ્રજ્ઞેશ તેમજ મીત અંટાળાને ધોરજીથી પકડી લાવી ત્રણેય શખ્સો સામે ભારતીય અર્થતંત્રને નુકશાન પહોંચાડવાની બીએનએસ કલમ 179, 180 અને 54 હેઠળ ગુન્હો નોંધી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન આરોપીઓની પૂછપરછમાં આરોપીઓ જ્યાં નોટ છાપતા ત્યાં જૂનાગઢથી પોલીસે નોટો છાપવા માટે ઉપયોગમાં લેવાયેલા પ્રિન્ટીંગ મશીન, 6 જેટલા કલરની ઈન્ક તેમજ નોટો છાપવા માટેનું કાગળ મળી આવતા તે કબ્જે લીધા હતા.