- ગેમઝોન શરૂ કરાવનાર પોલીસના અધિકારીઓને પોલીસે કલિનચીટ
- ગેમઝોન શરૂ કરવાનું લાયસન્સ આપનાર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી નહી
- ગેમઝોનમાં ફાયર એનઓસી કે ફાયર સેફ્ટી પણ નહીં હોવા છતાં પોલીસે બુકિંગનું લાઇસન્સ આપ્યું હતું
રાજકોટ અગ્નિકાંડ કેસમાં ગેમઝોન શરૂ કરાવનાર પોલીસના અધિકારીઓને કલિનચીટ મળી હોય તેવુ લાગે છે કેમકે,ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામે કોઈ પગલા લેવામાં આવ્યા નથી.ચીફ ફાયર ઓફિસરને પોલીસે બુકિંગ લાયસન્સ ની નકલ જાણ સારું રવાના કરી હતી.પરંતુ અગાઉથી અહીં આગ લાગવાની શક્યતા છે કે નહીં તે માટે અભિપ્રાય માંગ્યો ન હતો.
ઉચ્ચ અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી નહી
ફાયર એનઓસી વગર ગેમ ઝોનને બુકિંગ લાયસન્સ આપનાર નિર્દોષ અને ફાયર એનઓસી વગર તેને સીલ નહીં કરનારને ગુનેગાર ગણ્યા.પોલીસે લાયસન્સ આપ્યું છતાં સ્થળ ચેકિંગ પણ કર્યું ન હતુ,મનપાના અધિકારીઓ પર દોષનો ટોપલો ઢોળી પોલીસ અધિકારીઓનો લુલો બચાવ કર્યો હતો.આરપી ગેમઝોન શરૂન થયો હોત અથવા તોડી પડાયો હોત કે સીલ કરાયો હોત તો ગુજરાતના ઈતિહાસનો અત્યંત દર્દનાક અગ્નિકાંડ સર્જાયો ન હોત એ નાનુ છોકરું પણ સમજી શકે છે. પરંતુ, રાજકોટ અને સરકારની સિટ દ્વારા એક માસથી ચાલતી તપાસમાં ગેમઝોનનું ડિમોલીશન કરવા નોટિસ આપનાર ટી.પી.વિભાગના પાંચ ઉચ્ચ અધિકારીઓને ગુનેગાર માનીને જેલભેગા કરી દીધા છે ત્યારે આ ગેમઝોન શરૂકરવાનું લાયસન્સ આપનાર પોલીસ અને આ બધા ઉપર સત્તા ધરાવતા ઉચ્ચ ઓફિસરો અને પદાધિકારીઓનો હજુ વાળ વાંકો થયો નથી.
બીજા અધિકારીઓ સામે કાર્યવાહી થઈ
ટી.પી.ઓ. એમ.ડી.સાગઠીયા, એ.ટી.પી. મકવાણા, ગૌતમ જોષી વગેરેને અગ્નિકાંડના ગંભીર ગુનામાં ધરપકડ કરીને રિમાન્ડ પર લેવાયા હતા. ધરપકડ પૂર્વે ટીપી શાખાએ જાહેર કર્યું હતું કે એ.ટી.પી.મકવાણાએ સ્થળ ઉપર જઈને એક સમયે બાંધકામ બંધ કરાવવા કાર્યવાહી કરી હતી.પોલીસ તપાસ અનુસાર આ ટી.પી.અફ્સરોનો ગુનો એ હતો કે તેમણે આ ગેમઝોનને નોટિસ બાદ ક.260(2) હેઠળ આ બાંધકામ તોડી પાડવા માટે આદેશ કર્યો હતો પરંતુ, તેનો આગ લાગી ત્યાં સુધી અમલ કર્યો ન હતો.
ભૂલતો બધાની છે કોઈ એકની નહી
ટી.પી.વિભાગે ગેમઝોનને તોડી પાડવા નોટિસ આપી અડધી કામગીરી કરી અને મૂળ ડિમોલેશનની કામગીરી ન કરી તે માટે ગુનેગાર છે પરંતુ, પોલીસ વિભાગે તો ત્રણ મોટી ક્ષતિઓ આચરી છે (1) ગેમઝોનમાં ફાયર એન.ઓ.સી. કે ફાયર સેફ્ટી પણ નહીં હોવા છતાં બૂકીંગ લાયસન્સ આપ્યું જેના આધારે તે ધમધમતું થયું. (2) ચીફ ફાયર ઓફિસરને પોલીસે બૂકીંગ લાયસન્સની નકલ જાણ સારૂરવાના કરી પરંતુ, અગાઉથી અહીં આગ લાગવાની શક્યતા છે કે નહીં તે માટે અભિપ્રાય નથી માંગ્યો. (3) જેને લાયસન્સ આપ્યું તે શરતોનું પાલન કરે છે કે નહીં તે ચેકીંગ કરવાની પણ જવાબદારી હોય છે, પોલીસે સ્થળ ચેકીંગ કર્યાનું બહાર આવ્યું નથી. જો આગ પૂર્વે ચેકીંગ કર્યું હોત તો ત્યાં જવલનશીલ પદાર્થ અંગે તેની સામે ગુનો નોંધાયો હોત.