- અડધા ઈંચ જેટલા વરસાદમાં રસ્તાઓ થયા પાણી પાણી
- નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાને પગલે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી
- વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક તો ગરમીથી લોકોને મળી રાહત
રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. અડધો કલાકમાં અડધા ઈંચ જેટલો વરસાદ શહેરમાં વરસતા તમામ રસ્તાઓ પાણી પાણી થયા છે.
નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી
વરસાદને પગલે શહેરના પોપટ પરા નાળું અને કલેકટર કચેરી તરફના રસ્તા ઉપર પાણી ભરાયા છે. ત્યારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાને પગલે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી થઈ છે. તમને જણાવી દઈએ કે શહેરના યુનિવર્સિટી રોડ, નાના મહુવા, યાજ્ઞિક રોડ, સાધુવાસવાણી રોડ, કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા છે. ત્યારે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે.
સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
દ્વારકા,જામનગર,રાજકોટ,અમરેલી,ભાવનગરમા હળવા વરસાદની આગાહી કરાઈ છે, જૂનાગઢમાં આજે વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે.ઉત્તર,મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે. આજે ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના અપાઈ છે. દરિયાકાંઠે 35થી 45 પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. અહીં મહત્તમ પવન 55 કિમીની ઝડપ સુધીનો ફૂંકાઈ શકે છે. આ સાથે તેમણે ગુજરાતમાં ચોમાસા અંગે જણાવ્યુ છે કે સેન્ટ્રલ ગુજરાત પર સર્ક્યુલેશન સિસ્ટમ બનેલી છે તેના કારણે આજે ભારે વરસાદ થવાનો છે. ચોમાસું મુન્દ્રાથી મહેસાણા સુધી પહોંચ્યુ છે. ત્રણ ચાર દિવસોમાં ચોમાસું આખા ગુજરાતને આવરી લેશે તેવી શક્યતા છે.