રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આરોગ્ય વિભાગમાં બેદરકારી સામે આવતા અધિકારીની સત્તા છીનવી લેવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા તાત્કાલિક અસરથી અધિકારીની સત્તાઓ છીનવી લેવા હુકમ કરવામાં આવ્યો છે. જ્યારે હવે આરોગ્ય વિભાગની કામગીરીની દેખરેખ માટે મધ્યાહ્ન ભોજનના નાયબ કલેક્ટરને જવાબદારી સોંપવામાં આવી છે. આરોગ્ય વિભાગના નાણાકિય વ્યવહારો પણ મ્યુનિસિપલ કમિશ્નરની દેખરેખમાં કરાશે.
મધ્યાહ્ન ભોજનનાં નાયબ કલેક્ટર દેખરેખ રાખશે
રાજકોટ મહાનગર પાલિકાના શાસક પક્ષના નગરસેવકો અને સ્ટેન્ડિંગ કમિટી સહિતના પદાધિકારીઓની અનેક ફરિયાદો બાદ મ્યુનિસિપલ કમિશ્નરે આ નિર્ણય લીધો છે. રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા કરવામાં આવેલા આદેશ પ્રમાણે હવેથી આરોગ્ય વિભાગના તમામ નાણાકિય વ્યવહારો તેમની દેખરેખ હેઠળ કરવામાં આવશે. આ ઉપરાંત મધ્યાહન ભોજનના નાયબ કલેક્ટર દ્વારા આરોગ્ય વિભાગની રોજબરોજની કામગીરી ઉપર દેખરેખ રાખવામાં આવશે.
કમિશ્નર તુષાર સુમેરાનો હુકમનો અમલ કરવા આદેશ
રાજકોટ મહાનગર પાલિકાના સત્તાધિશો દ્વારા કરવામાં આવેલી અનેક ફરિયાદો બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેની પાછળનું મુખ્ય કારણ આરોગ્ય વિભાગની અનેક ફરિયાદો છે. શહેરના લોકોએ પણ આરોગ્ય સેવાઓ અને અધિકારીઓના અણછાજતા વર્તનને લઈ રોષ વ્યક્ત કર્યો હતો. જેથી તમામ બાબતોને ધ્યાનમાં લઈને મ્યુનિસિપલ કમિશ્નરે આ કડક નિર્ણય લીધો છે.