- રોહિત શર્માએ સચિન તેડુંલકરના રેકોર્ડ તોડ્યો
- રોહિત શર્માએ વર્લ્ડકપમાં 2285 રન બનાવ્યા
- રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 18000 રન પૂરા કર્યા
વર્લ્ડકપ 2023ની 29મી મેચ લખનૌમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં રોહિત શર્માએ 101 બોલમાં 87 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે એક વિશેષ સિદ્ધિ હાંસલ કરી છે. રોહિત શર્માએ ODI વર્લ્ડકપ અને T20 વર્લ્ડકપમાં સંયુક્ત રીતે રન બનાવવાના મામલમાં ભૂતપૂર્વ મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા છે.
સચિન તેડુંલકરનો રેકોર્ડ તોડ્યો
સચિને ODI વર્લ્ડકપમાં 45 મેચની 44 ઇનિંગ્સમાં 56.95ની એવરેજથી 2278 રન બનાવ્યા હતા. સચિન તેંડુલકરને T20 વર્લ્ડકપમાં ભાગ લેવાની તક મળી નથી. રોહિત શર્માએ વર્લ્ડકપ અને T20 વર્લ્ડ કપમાં મળીને 2285 રન બનાવ્યા છે. શર્માએ T20 વર્લ્ડ કપની 39 મેચોની 36 ઇનિંગ્સમાં 34.39ની એવરેજથી 963 રન બનાવ્યા છે. ODI વર્લ્ડકપમાં તેણે 23 મેચની 23 ઇનિંગ્સમાં 66.10ની એવરેજથી 1322 રન બનાવ્યા છે.
વિરાટ કોહલી નંબર-1:
આ ખાસ મામલામાં ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પહેલા સ્થાન પર છે. કિંગ કોહલીએ T20 વર્લ્ડકપની 25 ઇનિંગ્સમાં 81.50ની એવરેજથી 1141 રન બનાવ્યા છે. ODI વર્લ્ડકપમાં 32 મેચ રમીને તેણે 32 ઇનિંગ્સમાં 53.23ની એવરેજથી 1384 રન બનાવ્યા હતા. આ રીતે વિરાટ કોહલીએ સંયુક્ત વર્લ્ડકપમાં કુલ 2525 રન બનાવ્યા છે.
રોહિતનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રદર્શન
રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 477 ઇનિંગ્સમાં 18000 રન પૂરા કર્યા છે. જેમાં 3677 ટેસ્ટમાં, 3853 ટી20માં અને 10470 વન-ડેમાં રન બનાવ્યા છે. રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 45 સદી અને 98 ફિફટી ફટકારી છે.