ભરૂચમાં લગ્ન પ્રસંગની ઉજવણી પહેલા ધીગાણું થયું. કન્યાને લેવા નીકળેલ વરરાજાની જાનમાં મારામારીની ઘટના બનવા પામી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વરરાજાની જાનમાં મારમારીનો બનાવ બનતાં પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી. પોલીસ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
નવા તવરા ગામે બેન્ડ વગાડવા મુદ્દે ધીંગાણું
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચના નવા તવરા ગામથી વરરાજાનો વરઘોડો નીકળ્યો. વરઘોડો બેન્ડ બાજા સાથે આગળ વધી રહ્યો હતો ત્યાં અચાનક લોકો ડાન્સ કરવાના બદલે મારામારી કરવા લાગ્યા. વીડિયોમાં દેખાય છે કે રસ્તા પર નીકળેલ વરઘોડામાં સામેલ કેટલાક યુવાનો મારામારી કરી રહ્યા છે. યુવાનો વચ્ચે પહેલા શાબ્દિક બોલચાલ થાય છે ત્યારબાદ મામલો વધુ ઉગ્ર બનતા હાથપાઈ પર ઉતરી આવે છે. દરમિયાન ત્યાં હાજર કેટલીક મહિલાઓ મામલો થાળે પાડવા પ્રયાસ કરે છે. યુવાનોને મારામારી કરતાં અટકાવે છે. પરંતુ છતાં પણ યુવાનો શાંત ના થતાં મામલો પોલીસ સુધી પંહોચે છે. ઉપરાંત મારામારીની આ ઘટના કોઈ શખ્સ દ્વારા વીડિયો ઉતારવામાં આવે છે અને સોશિયલ મીડિયામાં તેને પોસ્ટ કરે છે. ત્યારબાદ વરઘોડામાં બનેલ ઘટનાને લઈને વધુ હોબાળો મચે છે.
પોલીસ ફરિયાદ નોંધાઇ
વરઘોડામાં થયેલ મારામારીની ઘટનામાં સામે આવ્યું કે બેન્ડબાજા સાથે નીકળેલ જાનૈયા ડાન્સ કરતા હોય છે. ત્યારે બેન્ડબાજાના ભયંકર અવાજથી ત્યાં નજીક ઉભેલ ભેંસ ભડકી જાય છે અને દોડવા પ્રયાસ કરે છે. દરમિયાન એક શખ્સ ભેંસની અડફેટમાં આવે છે. અને આમ વરઘોડોમાં લોકો એકબીજા સાથે અથડાવા લાગે છે અને પછી વાત મારામારી સુધી પંહોચી જાય છે. મારામારીનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ સી ડિવિઝન પોલીસ મથકે સામસામી પોલીસ ફરિયાદ નોંધાઇ.
ડીજેના તાલે વરઘોડામાં મચાવી બબાલ
નોંધનીય છે કે હાલમાં જ એક સમારોહમાં સાંસદ દ્વારા લગ્ન પ્રસંગમાં કરાતા ખોટા ખર્ચા બંધ કરવાી અપીલ કરાઈ હતી. તેમજ મોટા અવાજે વગાડતા ડીજે પર પ્રતિબંધ મૂકવાની પણ માગ કરાઈ હતી. પ્રસંગોમાં મોટા અવાજે વગાડવામાં આવતા ડીજે ના કારણે આસપાસના વાતાવરણમાં ધ્વનિ પ્રદૂષણ થાય છે. જેના કારણે પ્રાણીઓ અને બીમાર લોકોને વધુ અસર થાય છે. અને એટલે જ ધ્વનિપ્રદૂષણ કરતાં ડીજે વગાડવા પર તંત્ર દ્વારા લોકોને કેટલાક સૂચનો પણ કરાયા છે.