અમદાવાદથી વેરાવળ લોકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. આ રૂટ પર આગામી 27 મેથી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ દોડશે. આ ટ્રેન સવારે 5:25 વાગ્યે સાબરમતી સ્ટેશનથી ઉપડશે અને બપોરે 12:25 વાગ્યે વેરાવળ પહોંચી જશે. ત્યારે વિરમગામ, સુરેન્દ્રનગર, વાંકાનેર, રાજકોટ અને જૂનાગઢ સ્ટેશન પર ઉભી રહેશે.


આ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન 438 કિલોમીટરનું અંતર માત્ર 7 કલાકમાં કાપશે

આ સાબરમતી-વેરાવળ વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન 438 કિલોમીટરનું અંતર માત્ર 7 કલાકમાં કાપશે. જેના કારણે અમદાવાદથી સોમનાથ દર્શનાર્થે આવતા ભાવિકો સહિતના લોકોને સારી સુવિધા મળી રહેશે. બીજી તરફ વેરાવળથી સાબરમતી આવવા માટે વેરાવળ-સાબરમતી વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ (26902) વેરાવળ સ્ટેશનથી બપોરે 2.40 વાગ્યે ઉપડશે અને રાત્રે 9.35 વાગ્યે સાબરમતી પહોંચશે. જણાવી દઈએ કે લાંબા અંતરની ટ્રેન આપવા અને વંદે ભારત ટ્રેન શરૂ કરવા માગણી કરવામાં આવી હતી. 2022માં વેરાવળ સાબરમતી વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ કરવા રેલવે બોર્ડમાં દરખાસ્ત કરવામાં આવી હતી.

26 મેએ આ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે

તમને જણાવી દઈએ કે 26મેના રોજ વડાપ્રધાન મોદીના હસ્તે આ ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે. સાબરમતી સ્ટેશનથી આ ટ્રેન સવારે 5:25 વાગ્યે ઉપડીને બપોરે 12:25 વાગ્યે વેરાવળ પહોંચશે અને બપોરે 2:40 વાગ્યે વેરાવળથી ઉપડીને રાત્રીના 9:35 વાગ્યે સાબરમતી પહોંચશે. આ ટ્રેન શરૂ થયા બાદ લોકો ઝડપથી પોતાના ગંતવ્ય સ્થાને પહોંચશે અને સમય બચાવી શકશે તો બીજી તરફ સારી સુવિધા પણ આ ટ્રેનમાં મળશે. જો કે હજુ સુધી આ ટ્રેનના ભાડા વિશે કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી. 

  • Follow us on: