જસદણના આંબરડી ગામે બારોટ વાળી શેરીમાં શીતળા માના મંદિર સુધી એક લાખ રૂપિયાના ખર્ચે પેવર બ્લોકનું કામ ગ્રામ પંચાયત દ્વારા મંજુર કરવામાં આવ્યું હતું પણ કામ થયા વગર એક લાખ રૂપિયાનું એટલે કે પૂરેપૂરું વળતર આંબરડી ગામના મહિલા સરપંચ અને તલાટી કમ મંત્રીની મિલી ભગતથી ચૂકવી દેવામાં આવ્યું છે. 1. મહાદેવ બ્લોક વાળાને 41,600 ચૂકવવામાં આવ્યા 2. એગ્રી બિઝનેસ સેન્ટર વાળાને 10,897 3. મહિલા સરપંચના પતિ જીકુભાઈ મનજીભાઈ ઝાલાને 39,623 રૂપિયા ચૂકવ્યા છે. 4. આંબરડી ગ્રામ પંચાયતને 1000 રૂપિયા ચૂકવ્યા 5. જય ખોડીયાર એન્ટરપ્રાઈઝ 6,880 રૂપિયા ચૂકવ્યા છે. આમ, એક લાખ રૂપિયાનું ચુકવણું કરી અને ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો છે. જે જગ્યાએ કામ થયું જ નથી, તે જગ્યાના નામે કામ થઈ ગયું છે તેવું દેખાડી તે જગ્યાના નામે એક લાખ રૂપિયાની ઉચાપત કરી તેવી ફરિયાદ જાગૃત નાગરિકે જસદણ ટીડીઓને કરી હતી.


તલાટી કમ મંત્રીએ ચાલતી પકડી

સંદેશની ટીમ દ્વારા તલાટી કમ મંત્રીને ફોન પર પૂછવામાં આવ્યું કે પેવર બ્લોકના કામમાં ભ્રષ્ટાચાર થયો છે, જે જગ્યાએ પેવર બ્લોક નાખવાના હતા તે જગ્યાએ પેવર બ્લોક છે જ નહીં. ખોટું બિલ બનાવી એક લાખ રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે તો તે બારામાં આપની બાઈટ કરવી અને વિગત લેવી છે ત્યારે તેમને જણાવ્યું હતું કે કંઈ વાંધો નહીં તમે આંબરડી આવો. જ્યારે ટીમ ગઈ તો તરત જ તલાટી કમ મંત્રી ત્યાંથી ચાલ્યા ગયા તેમને રિપોર્ટર દ્વારા 15થી 20 ફોન પણ કરવામાં આવ્યા પણ એક પણ ફોન ઉપાડ્યો નહીં અને તેમનો ફોન પણ સ્વીચ ઓફ કરી દીધો હતો, શું કામ મીડિયા સામે ના આવ્યા તે પણ એક સવાલ છે બીજો પણ એવો જ સવાલ છે કે મહિલા સરપંચના પતિ જિકુભાઈ ઝાલાના ખાતામાં 39, 623 રૂપિયા શું કામ નાખવામાં આવ્યા?

સરપંચ અને તલાટી સામે કાયદાકીય કાર્યવાહી કરાશે

સંદેશ દ્વારા ઘટના સ્થળે જઈ અને રિયાલિટી ચેક કરવામાં આવ્યું તો તે જગ્યાએ પેવર બ્લોક નાખવામાં આવ્યા જ ન હતા, ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ જાતનું કામ કરવામાં આવ્યું ન હતું. જાગૃત નાગરિક અને ગામ લોકોનું નિવેદન લેવામાં આવ્યું તે લોકોએ પણ ઘટના સ્થળે જ સંદેશ સમક્ષ કહ્યું હતું કે અહીંયા કોઈપણ જાતની કામગીરી કરવામાં આવી નથી અને એક લાખ રૂપિયા બિલ ચૂકવી દેવામાં આવ્યું છે, મહિલા સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો છે. સંદેશની ટીમ દ્વારા જસદણ ટીડીઓની મુલાકાત લેતા તેમને જણાવ્યું હતું કે ચોક્કસપણે તપાસ કરવામાં આવશે અને આમાં જે કંઈ ખોટું થયું હશે તો સરપંચ અને તલાટી કમ મંત્રી વિરુદ્ધ તંત્ર દ્વારા કાયદાકીય નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

  • Follow us on: