રાજકોટના ઉપલેટા શહેરમાં વહેલી સવારે ચોરીની ચાર અલગ-અલગ ઘટના બનતા ચકચાર મચી હોવાનું સામે આવ્યું છે. ઉપલેટા પોલીસ સ્ટેશનના થોડા જ અંતરમાં તસ્કરી કરી પોલીસની કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે.
રાજકોટના ઉપલેટામાં તસ્કરોનો તરખાટ મચાવ્યો છે. ચાર અલગ-અલગ જગ્યાઓએ તસ્કરો ચોરીનો અંજામ આપ્યો છે. ઉપલેટા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં જાણે તસ્કરોએ પોલીસને પડકાર ફેક્યો હોય તેમ ઘરમાં ચોરી કરીને પલાયન થઇ ગયા છે. તસ્કરોએ ચાર અલગ-અલગ જગ્યાઓએ સોનું, ચાંદી, રોકડ સહિતની ચીજોની ચોરી કરી છે. જેમાં રેલવે કર્મચારી, આર્મીમેન સહિતના ઘરમાં ચોરી થઇ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.
કોલકી રોડના વેસ્ટર્ન પાર્કના બે મકાનમાં ચોરી થઇ છે, તો બીજી તરફ શંકુતાનગર સોસાયટીના બે મકાનમાં તસ્કરો ત્રાટકીને ચોરી કરી છે. સોનુ, ચાંદી, રોકડ સહિતની ચીજ વસ્તુઓની તસ્કરી થઈ હોવાનું સામા આવ્યું છે. બહારગામ ગયેલા ઘરધણીના ઘરમાં તસ્કરી કરતા સ્થાનિકોમાં ભય ફેલાયો હોવાનું સામે આવ્યું છે. તસ્કરી સાથે સંકળાયેલ વ્યક્તિઓ સીસીટીવી કેમેરામાં દેખાઈ ગયા હોવાનું સામે આવ્યા બાદ પોલીસે કેમેરાની તપાસ શરૂ કરી છે.
ચોરીની ઘટના બાદ ઉપલેટા પોલીસ અને રાજકોટ રૂરલ એલસીબી દ્વારા તસ્કરોને ઝડપી લેવા તપાસ ધરી ચક્રો ગતિમાન કર્યા છે. રેલ્વે કર્મચારી, નિવૃત આર્મી મેન સહિતના વ્યક્તિઓના ઘરમાં પોલીસને ખુલ્લો પડકાર ફેંકીને તસ્કરોએ તસ્કરી કરી લીધી છે. કોલકી રોડ પર આવેલ લાભ શુભ એપાર્ટમેન્ટની પાછળ વેસ્ટન પાર્કમાં બે મકાન તેમજ મંદિર ઓઇલ મીલની સામેની શંકુતાનગર સોસાયટીના બે મકાનમાં તસ્કરોએ તરાપ મારી હોવાનું સામે આવ્યું છે. ચોરીની ઘટના બાદ ભોગ બનનાર ઉપલેટા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે પહોંચ્યા અને પોલીસ ફરિયાદ દાખલ કરવા માટેની તજવીજ હાથ ધરી છે.