- 54 હજારથી વધુ શાળાઓ આજથી શરૂ થશે
- CNG કિટ પર પાટિયુ હશે તો વાહન ડિટેઇન કરાશે
- રીક્ષામાં 6 અને વાનમાં 12 બાળક બેસાડી શકાશે
ઉનાળુ વેકેશન બાદ શાળાઓ ફરીથી શરૂ થઈ છે અને આજથી શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ સમયે શૈક્ષણિક બાબતોની સાથે સાથે અનેક રીક્ષા ચાલકો અને વાન ચાલકો માટે પણ ખાસ નિયમો આવ્યા છે. શાળાઓમાં સ્કૂલ વાનનું આજથી ચેકિંગ શરૂ થશે. આ સાથે રીક્ષામાં 6 અને વાનમાં 12 જ બાળકોને બેસાડી શકાશે તેવા નિયમો પણ બનાવવામાં આવ્યા છે. તો જાણો શું છે અન્ય મોટા ફેરફારો.
CNG કિટ પર પાટિયુ હશે તો વાહન ડિટેઇન કરાશે
નવા નિયમમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જો સીએનજી કિટ પર પાટિયું હશે તો વાહન ડીટેઈન કરવામાં આવશે. રીક્ષામાં 6 અને વાનમાં 12 બાળક બેસાડી શકાશે. આ સિવાય વધુ બાળકો સાથે વાહન ઝડપાશે તો કાર્યવાહી કરાશે. પીક અપ અને ડ્રોપ સ્કૂલ કેમ્પસની અંદર જ કરવાનું રહેશે. આ સિવાય રીક્ષામાં ડ્રાઇવર સીટ પર બાળક નહી બેસાડી શકાય. સ્કૂલ વર્ધી વાહનો પાસે ફિટનેસ સર્ટિફિકેટ હોવું ફરજિયાત રહેશે.
શું છે વાહન ફિટનેસ સર્ટિફિકેટને લઈને નિયમ
વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતા સ્કૂલ વાહન પર નજર રાખવામાં આવશે. ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલ પર વાત કરતાં સ્કૂલ વેન અને રીક્ષા ચાલક પર તંત્ર નજર રાખશે. ડ્રાઇવર મોબાઇલ પર વાત કરતા પકડાશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શાળાઓ શરૂ થયા બાદ જે સ્કૂલવેનનું રજીસ્ટ્રેશન બાકી છે તેઓને કોઈપણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં. મળી રહેલી માહિતિ અનુસાર હાલમાં 800 જેટલી સ્કૂલ વેનનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. સ્કૂલ વેન માટે રજીસ્ટ્રેશન એકવાર કરાવવાનું હોય છે પરંતુ તેનું ફિટનેસ સર્ટિફિકેટ દર વર્ષે લેવાનો હોય છે.
સ્પીડને લઈને પણ નક્કી કરાયા છે ખાસ નિયમો
સ્કૂલ રીક્ષા અને સ્કૂલ વેન માટે 20 કિલોમીટરની ઝડપ અને મર્યાદા નક્કી કરવામાં આવી છે. તેવી જ રીતે સ્કૂલ બસ માટે 40ની સ્પીડ નક્કી કરવામાં આવી છે. જે માટે સ્કૂલ વેન ચાલકો પાસેથી એક બાંહેધરી પત્ર પણ લેવામાં આવ્યું છે કે તેઓ સ્પીડમાં ગાડી નહીં હંકારે. શાળાના સંચાલકોને પણ સૂચના આપવામાં આવી છે કે સ્કૂલે આવતા-જતા વાહનો નિયમનું પાલન કરે છે કે નહિ તેનું ધ્યાન રાખતા રહે.