રાજ્યમાં વધુ એક વખત જુગારધામ ઝડપાયું છે. સુરતના માંગરોળના લીડીયાત ગામેથી જુગારધામ ઝડપાયું છે. સુરત જિલ્લા LCBએ લીડિયાતના એક ફાર્મ હાઉસમાં રેડ કરી હતી અને આ રેડ દરમિયાન જુગારધામ ઝડપી પાડ્યું છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારના 17 જુગારીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાયા છે.
ફોર વ્હીલર, મોટર સાયકલ અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત
LCBની ટીમે દાવ પરના રોકડા 3.73 લાખ, ફોર વ્હીલર, મોટર સાયકલો અને મોબાઈલ મળીને કૂલ 13.13 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હાલમાં LCBની ટીમે સુરત શહેરના અલગ અલગ વિસ્તારના 17 જુગારીઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં અગાઉ પણ ઘણા વિસ્તારમાંથી અનેક જુગારીઓ ઝડપાયા છે અને તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે.
ભાવનગર શહેરમાં જુગાર રમતા 15 આરોપીઓ ઝડપાયા
તમને જણાવી દઈએ કે ગઈકાલે ભાવનગર શહેરમાં જુગાર રમતા 15 આરોપીઓ ઝડપાયા હતા. ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમએ દરોડો પાડી 15 જુગારીઓને ઝડપી લીધા હતા. ભાવનગર શહેરના રોહિદાસ ચોક પાસે રમાતા જુગારધામ ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. 15 આરોપીઓને રૂપિયા 2,53,650ની રોકડ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. તમામ આરોપીઓ વિરુદ્ધ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
23 માર્ચે સાસણગીરના રિસોર્ટમાંથી 50થી વધુ જુગારીઓ ઝડપાયા હતા
તમને જણાવી દઈએ કે 23 માર્ચે ગીર સોમનાથના સાસણ ગીરના રિસોર્ટમાં જુગારધામ ઝડપાયું હતું. ધ ગીર પ્રાઈમ રિસોર્ટમાં જુગારધામ ચાલતું હતું. સંગોદ્રા ચિત્રાવડ વચ્ચે આવેલા ધ ગીર પ્રાઈમ રિસોર્ટમાં જુગારધામ ચાલતું હતું. 50થી વધુ જુગારીઓ અને 25 લાખ રૂપિયા રોકડા ઝડપાયા હતા. તમને જણાવી દઈએ કે ગીર સોમનાથ LCBને બાતમી મળી હતી કે રિસોર્ટના એક રૂમમાં મોટા પ્રમાણમાં જુગારધામ ચાલી રહ્યું હતું. ત્યારે જુગાર સાથે દારૂની પણ રેલમછેલ સામે આવી હતી. 10થી વધુ ફોરવીલ સાથે કરોડો રૂપિયાનો મુદ્દામાલ LCBની ટીમે જપ્ત કર્યો હતો. આ તમામ જુગારીઓ મહેસાણા અને કડીના હોવાનું સામે આવ્યું હતું.