સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે. છેલ્લા ત્રણેક દિવસથી તાવના કેસ સામે આવી રહ્યાં છે. ગઈ કાલે ભેસ્તાનમાં 14 વર્ષના કિશોરનું તાવમાં સપડાયા બાદ મોત થયું હોવાના સમાચાર સામે આવ્યા હતાં. હવે એક યુવતીનું તાવની સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. શહેરના ઉન વિસ્તારમાં રહેતી યુવતીને છેલ્લા ત્રણેક દિવસથી તાવ આવતો હતો. આ યુવતીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.


યુવતીનું મોત નિપજતાં આરોગ્ય તંત્ર દોડતુ થયું

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત શહેરના ઉન વિસ્તારમાં 20 વર્ષની એક યુવતીને છેલ્લા ત્રણેક દિવસથી તાવ આવતો હતો. આ યુવતીને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલમાં તાવની સારવાર દરમિયાન આ યુવતીનું મોત નિપજતાં આરોગ્ય તંત્ર દોડતુ થયું છે. શહેરમાં રોગ ચાળો વકરતાં આરોગ્ય તંત્ર દ્વારા સમગ્ર શહેરમાં રોગચાળાની  તપાસ સઘન બનાવી દેવાઈ છે.

ગઈકાલે ભેસ્તાનમાં એક બાળકનું મોત નિપજ્યું હતું

ગઈકાલે શહેરના ભેસ્તાન વિસ્તારમાં ધોરણ 7ના વિદ્યાર્થી આદિત્ય ચૌધરીનું તાવને કારણે મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું હતું. છેલ્લા 3 દિવસથી આ બાળકની દવા ઘરની નજીક આવેલા દવાખાને ચાલતી હતી. ડોક્ટરે બે દિવસ દવા લેશો તો સારૂં થઈ જશે તેમ કહ્યું હતું. અચાનક આદિત્યને ઉલટીઓ શરૂ થઈ જતા મકાન માલિકે તાત્કાલિક 108ને બોલાવી હતી અને કિશોરને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો.


  • Follow us on: