સુરતના ભેસ્તાનમાં 14 વર્ષના કિશોરનું તાવમાં સપડાયા બાદ મોત થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ભેસ્તાનમાં ધોરણ 7ના વિદ્યાર્થી આદિત્ય ચૌધરીનું મોત થયું છે. છેલ્લા 3 દિવસથી આ બાળકની દવા ઘરની નજીક આવેલા દવાખાને ચાલતી હતી. ડોક્ટરે બે દિવસ દવા લેશો તો સારૂં થઈ જશે તેમ કહ્યું હતું પણ આજે અચાનક આદિત્યને ઉલટીઓ શરૂ થઈ જતા મકાન માલિકે તાત્કાલિક 108ને બોલાવી હતી અને કિશોરને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.


બે બહેનોના એકના એક ભાઈનું તાવમાં મોત

જો કે કિશોરને 108માં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ત્યાં ફરજ પર હાજર રહેલા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરે બાળકને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ અને બે બહેનોના એકના એક ભાઈનું તાવની બિમારીમાં મોત થઈ ગયું છે. ત્યારે ચોંકાવનારી બાબત એ છે કે પરિવાર બાળકના મૃતદેહને મોપેડ પર લઈને જતો રહ્યો હતો.

વડોદરાના કમાટીબાગમાં ટ્રેનની અડફેટે બાળકીનું થયું હતુ મોત

વડોદરાના કમાટીબાગમાં જોય ટ્રેનની અડફેટે ગઈકાલે બાળકીનું મોત થયું હતુ અને ત્યારબાદ જોય ટ્રેન બંધ કરવામાં આવી છે, ગાર્ડનના અધિકારીએ કમાટીબાગની મુલાકાત કરી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, તો ટ્રેનના ચાલક પાસે લાયસન્સ નહી હોવાની વાત સામે આવી છે, તો ગાર્ડનના અધિકારીનું કહેવું છે કે, પોલીસ તપાસ કરી રહી છે અને થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ હોવાથી પરિવારને વળતર મળશે. આ ઘટના જોઈને આસપાસના વ્યક્તિઓએ, પરિવારે, સયાજીબાગના સ્ટાફે બૂમાબૂમ કરી મૂકી હતી. જેને પગલે જોયટ્રેનના ડ્રાઈવરે ટ્રેન તો રોકી હતી પરંતુ ઘણું મોડું થઈ ગયું હતું. સ્થળ ઉપર હાજર વ્યક્તિઓએ ભારે જહેમત બાદ બાળકીને ટ્રેનની નીચેથી બહાર કાઢી હતી. બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હોવાથી તેને એમ્બ્યુલન્સની રાહ જોયા વગર સારવાર માટે રિક્ષામાં બેસાડીને સયાજી હૉસ્પિટલમાં લઈ ગયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. સમગ્ર ઘટનાની જાણ થતા સયાજીગંજ પોલીસ મથકે કરતા પોલીસનો કાફલો પણ દોડી આવ્યો હતો.

  • Follow us on: