સુરતમાં આરટીઆઇની આડમાં અધિકારીઓ-બિલ્ડરોને રંઝાડી પોતાના મનસૂબા પાર પાડતા ખંડણીખોરો સામે આખરે પોલીસે કડક તેવર અપનાવ્યા છે.ઉધના પોલીસ દ્વારા ખંડણી કેસમાં 9 કથિત પત્રકારોની ધરપકડ કરવામાં આવી છે. આ કથિત પત્રકારો કારખાનેદારને ધમકાવી ખંડણી વસૂલતા હતાં. આ લોકો એક સિન્ડિકેટ બનાવીને તોડકાંડ કરતા હતાં. સુરતની ઉધના પોલીસે કાર્યવાહી કરીને આ કથિત પત્રકારોને ઝડપી લીધા હતાં.


કેટલાક પત્રકારો હોમગાર્ડ તરીકે નોકરી કરતા હતા

સુરત શહેરમાં આરટીઆઈનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરી ખંડણીખોરો બેફામ પણે ખંડણી વસૂલતા હોવાની ફરિયાદો ઉઠી હતી. કારખાનેદાર અને બિલ્ડરો અને અધિકારીઓને આરટીઆઈનો ઉપયોગ કરીને બાનમાં લેવામાં આવતા હતાં. ઉધના પોલીસે તપાસ કરીને આવા 9 કથિત પત્રકારોની ધરપકડ કરી લીધી છે. જેમાં કેટલાક પત્રકારો હોમગાર્ડ તરીકે નોકરી કરતા હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.

ઉધના પોલીસે નવ પત્રકારોની એકસાથે ધરપકડ કરી

પોલીસે જે પત્રકારોની ધરપકડ કરી છે તેમાં સિટીલાયન ન્યૂઝ ચેનલના નામે પોતાને પત્રકાર કહેતા ધર્મેશ વાઘેલા હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે. જ્યારે માં આશાપુરા ન્યૂઝનો પત્રકાર એકતા પરિષદ સંગઠનનો પ્રમુખ છે. ગુજરાત ન્યૂઝના પત્રકાર ભરત બિરાડે સામે 7 ગુનાઓ નોંધાયા છે. ધ ગ્રેટ ન્યૂઝના આવધેષ તિવારી સામે ખંડણીનાં 3 ગુના નોંધાયા છે. આ પત્રકારો એક સિન્ડિકેટ બનાવીને તોડકાંડ કરતા હતાં. એક કારખાનેદારને ધમકાવીને તેઓ ખંડણી વસૂલવાના કેસમાં પકડાઈ ગયાં છે. ઉધના પોલીસે નવ પત્રકારોની એકસાથે ધરપકડ કરી છે.


  • Follow us on: