ગુજરાતમાં આગામી 19 જૂનના રોજ કડી અને વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ ચૂંટણી માટે ભાજપે બંને બેઠકોના ગામડાઓમાં નેતાઓની ફોજ ઉતારી દીધી છે. આજે સુરત ખાતે ભાજપે વિસાવદરની ચૂંટણી માટે શક્તિ પ્રદર્શન કર્યું હતું. સુરતમાં વસતા વિસાવદરના મતદારોનું સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું.
ખેડૂતોની ઈચ્છા પ્રમાણે ઈકોઝોનનો મુદ્દો ઉકેલાશે
આ સ્નેહ મિલનમાં હાજર રહેલા વિસાવદરના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે કહ્યું હતું કે, મારી પર બેંક કૌભાંડના ખોટા આક્ષેપો કરવામાં આવ્યાં છે. મારા આવ્યા પછી બેંકે પ્રગતિ કરી છે. અમે ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા છીએ. છેલ્લી ત્રણ ટર્મથી વિસાવદરમાં ભાજપના ઉમેદવાર જીત્યા નથી. હવે તમામ ત્રુટિઓનું નિરાકરણ લાવીને ભાજપ જીતશે. વિસાવદરમાં ઈકોઝોનનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં છે. ખેડૂતોની ઈચ્છા પ્રમાણે ઈકોઝોનનો મુદ્દો ઉકેલાશે.
ભાજપ વિસાવદરની બેઠક બહુમતીથી જીતશે
તેમણે વધુમાં કહ્યું હતું કે, ભાજપ અને કાર્યકર્તાઓ નેતૃત્વને લોકો સુધી પહોંચાડવામાં અસમર્થ રહ્યાં છે. પરંતુ આ વખતે ભાજપ વિસાવદરની બેઠક બહુમતીથી જીતશે. ખેડૂતો જે પણ કંઈ ઈચ્છતા હશે તેમની સાથે રહીને તેનો નિકાલ કરીશું. સુરત ખાતે યોજાયેલા શક્તિ પ્રદર્શનમાં શિક્ષણ મંત્રી પ્રફૂલ્લ પાનસેરિયા, ભાજપના નેતા રત્નાકર, વિસાવદરના ઉમેદવાર કિરીટ પટેલ, જયેશ રાદડિયા સહિત સુરતના ધારાસભ્ય હાજર રહ્યાં હતાં.