સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાંમાંથી ફરી એકવાર મસમોટું ગેસ રિફિલિંગ અને ચોરીનું કૌભાંડ ઝડપાયું છે. ડેપોના સંચાલકો ઘરેલુ રાંધણ ગેસના બોટલમાંથી ગેસની ચોરી કરતા હતા. ઓલપાડ પોલીસે 25 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એક વ્યક્તિની આ મામલે ધરપકડ પણ કરી છે. ગુજરાત રાજ્યમાં ગેસ રિફિલિંગ કરવું હવે સામાન્ય બની ગયું છે, છાશવારે પોલીસ દ્વારા નાના નાના દુકાનો પર દરોડા પાડી આવું રીફીલીંગ ઝડપી પાડવામાં આવે છે, પરંતુ ગેસ ડેપોના સંચાલકો જાતે જ રીફીલીંગ કરી ચોરી કરતા હોય એવી ઘટના સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના માસમાં ગામે સામે આવી છે.


પોલીસને જોઈ કેટલાક કામદારો ભાગી છૂટવામાં સફળ રહ્યા

માસમાં ગામે ઓલપાડ પોલીસ ગઈકાલે સવારે ચંદન ગેસ સર્વિસ નામના ઈન્ડેન ગેસના ડેપો પર દરોડા પડ્યા હતા, પોલીસને બાતમી મળી હતી કે અહીં કોઈ પ્રકારનું ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવી રહ્યું છે, પોલીસે દરોડા પડ્યા તે સમયે ડેપોના કમર્ચારીઓ રાંધણ ગેસના તેમજ કોમર્શિયલ ગેસની બોટલના યેનકેન પ્રકારે કંપની દ્વારા લગાવવામાં આવતા સીલ ખોલી લોખંડની નોઝલ વડે ગેસ અન્ય ખાલી બોટલમાં ભરી રહ્યા હતા, જોકે પોલીસને જોઈ કેટલાક કામદારો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા, જ્યારે એક વ્યક્તિ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

930 જેટલા ગેસના ઘરેલું વપરાશના અને કોમર્શીયલ બોટલ જપ્ત કર્યા

દરોડા બાદ પોલીસે તપાસ શરુ કરતા 54 જેટલા બોટલ એવા મળી આવ્યા હતા, જેમાં નિશ્ચિત વજન કરતા દરેક બોટલમાં 2 કિલો વજન ઓછું હતું, ગેસ કાઢ્યા બાદ આ ગેસ માફિયાઓ ફરીથી કંપનીનું સીલ હુબહુ લગાવી દેતા હતા, જેથી કરીને ગ્રાહકને શંકા ના જાય. પોલીસે ઘટના સ્થળેથી કુલ 8 જેટલા વાહનો અને 930 જેટલા ગેસના ઘરેલું વપરાશના અને કોમર્શીયલ બોટલ જપ્ત કર્યા છે. પોલીસે કુલ 25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી ડેપોના સંચાલક અને અન્ય ભાગી ગયેલા કામદારોની તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે લગભગ આશરે 8 માસ અગાઉ પણ માસમાં ગામેથી જિલ્લા LCBએ જે ગોડાઉન ઝડપ્યું હતું, એની બાજુના પીન્કી ગેસ સર્વિસ નામના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા અને 1000થી વધુ બોટલ ઝડપી પાડવામાં આવી હતી, ત્યાં પણ આજ મોડસ ઓપરેન્ડીથી ગેસ ચોરી કરી અને બોટલમાં ભરી વેચવાનું કૌભાંડ કરવામાં આવી રહ્યું હતું.

  • Follow us on: